કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)
ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર
ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી.
કૃષિ મંત્રીશ્રી
• *ગુજરાતની ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં થાય છે નિકાસ*
• *રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા ઓર્ગેનિક ઉત્પાદનોની વૈશ્વિક સ્તરે માંગ વધી*
• *ગુજરાતના ખેડૂતો અને આયાત કરતા દેશો વચ્ચે રાજ્ય સરકારની સેતુરૂપ ભૂમિકા*
*I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ચોખા, ઘઉં, મકાઈ, કેળા, દાડમ, ડુંગળી સહિતના પાકો આયાત કરવા ઈચ્છા વ્યક્ત કરી: આગામી સમયમાં MoU કરશે*
ગુજરાતની મુલાકાતે આવેલા યુનાઈટેડ અરબ એમિરેટ્સ-UAEના ડેલીગેશને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી હતી. કૃષિ મંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતું.
પાણી, ઊર્જા, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રે સંયુક્ત રોકાણ અને નવી પહેલોને સહકાર આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયા, ઇઝરાયલ, યુએઈ અને યુનાઈટેડ સ્ટેટ્સ એમ ચાર દેશોનું I2U2 ગ્રુપ કાર્યરત છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા તેમજ પ્રોત્સાહન આપવા માટે I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપની ગુજરાતમાં ઉત્પાદિત થતા વિવિધ પાકો આયાત કરવા તત્પર છે. જે સંદર્ભે આ ચાર કંપનીના પ્રતિનિધિઓ હાલ ગુજરાતની મુલાકાતે છે.
યુ.એ.ઈ.ના પ્રતિનિધીઓને સંબોધતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશનું સૌથી પ્રગતિશીલ રાજ્ય છે. એમાં પણ જ્યારે ખાદ્ય સુરક્ષાની વાત આવે તો ગુજરાતમાં ઉત્પાદિત થતી ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. ગુજરાતની ખેત પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ થાય તો ખેડૂતોને પાકના સારા ભાવ મળે અને સાથે જ ખેતીમાં નવી ટેકનોલોજીને પણ પ્રોત્સાહન મળે છે. એટલા માટે જ ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો અને આયાત કરતા દેશ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. મંત્રીશ્રીએ યુ.એ.ઈ.ને પણ ખેત ઉત્પાદનોની આયાત માટે રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય પૂરી પાડવા સહમતી આપી હતી. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો પણ વ્યાપ વધ્યો છે. જેથી ગુજરાતમાં ઉત્પાદિત થતી પ્રાકૃતિક ખેત પેદાશોની વૈશ્વિક સ્તરે માંગ વધી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
યુ.એ.ઈ.ના ડેલીગેટ્સમાં ADQ કંપનીના શ્રી ધાફર અલ-કાસીમી, SILAL કંપનીના શ્રી અબ્દુલ્લા અતીક બખિત અને શ્રી સુમિત ગુપ્તા, LDC કંપનીના શ્રી ગરિમા જૈન અને શ્રી સુમિત મિત્તલ તેમજ Unifrutti કંપનીના શ્રી એમ.સી. ધનંજય આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. યુ.એ.ઈ.ના ડેલીગેટ્સે ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતના FPO, નિકાસકારો અને નાના એગ્રો ફૂડ પાર્ક સાથે પણ મીટીંગ કરી નિકાસની તકો ઉપર સાર્થક ચર્ચા કરી હતી. તેમણે ચોખા, ઘઉં, મકાઈ, કેળા, દાડમ, ડુંગળી સહિતના પાકો આયાત કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ડેલીગેટ્સે આગામી સમયમાં ગુજરાતમાં એમ.ઓ.યુ કરવા પણ સહમતી દર્શાવી હતી.
આ બેઠકમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાગલે, અધિક ઉદ્યોગ કમિશનર શ્રી કુલદીપ આર્ય, ખેતી નિયામકશ્રી, બાગાયત નિયામકશ્રી, મત્સ્યોદ્યોગ નિયામકશ્રી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.