કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
સાર્થક જલસો મેગેઝીન વાચકોને આપશે 10 વર્ષનું નવું નજરાણું
રાજ ગોસ્વામી ,અમદાવાદ (સંકલન: નિરવ જોશી)-7838880134
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ અને ઓનલાઇન ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસારના કારણે નવી નવી પ્રકારના પડકારો લેખકો , પત્રકારો અને સાહિત્યકારો સામે ઊભા થયા છે !આવા સમયે ગુજરાતી વાચકો માટે સાર્થક પ્રકાશક એ શરૂ કરેલા એક મેગેઝીન સફળતાપૂર્વ દસ વર્ષ પૂરા કર્યા છે!- એ જાણીને મને ખૂબ આનંદ થયો.
આ કૌતુહલ પ્રેરક મેગેઝિનનું નામ છે – *જલસો* અને આ ગુજરાતી ભાષાના વાચકો માટે ઉત્તમ જલસો કરાવે તેવું મેગેઝીન 10 વર્ષથી ચાલી રહ્યું છે !
આ 10 વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે સિદ્ધહસ્ત અને જાણીતા તેમજ ખૂબ જ તટસ્થ એવા પત્રકારોએ / લેખકો અને સાહિત્યકારો ની ટીમે 10 વર્ષના સમાપનના અંતે મેગેઝીન જલસા ની યાદગાર કોપી બહાર પાડી છે.
( આલેખન: રાજ ગોસ્વામી, અમદાવાદ)
મિત્ર અને એક સમયે સહકર્મી ઉર્વીશ કોઠારી તેમજ દીપક સોલિયા, બીરેન કોઠારી, કાર્તિક શાહ, બિનીત મોદી અને અપૂર્વ આશરની બનેલી ટીમના નાનકડા પરંતુ નક્કર સાહસ “સાર્થક જલસો”નાં દસ વર્ષ પૂરાં થયાં છે. ગુજરાતી પ્રકાશનોની (ગુણવત્તા અને આર્થિક દ્રષ્ટિએ) સ્થિતિ બહુ ઉત્સાહજનક નથી ત્યારે, ‘સાર્થક’ની ટીમે સ્થાપિત ધોરણો અને પરંપરાગત લખાણોથી દૂર રહીને જેને સાચા અર્થમાં સાર્થક અને નક્કર કહી શકાય તેવાં લેખોનું એક સામયિક શરૂ કર્યું એટલું જ નહીં, તેની દસ વર્ષની સફર પુરી કરી તે પોંખવા જેવી વાત છે.
ગંભીર, સંવેદનશીલ, સાહિત્ય-કળા અને સંસ્કૃતિની વાતો કરતાં હોય તેવાં અનેક ગુજરાતી સામયિકો ખતમ થઈ ગયાં છે અથવા કોક મરવાના વાંકે જીવી રહ્યાં છે તેનો વિલાપ આપણે કરતા રહીએ છીએ. તેવા સંજોગોમાં, સાર્થક પ્રકાશનની આ ટીમે એક સ્વતંત્ર સામાયિક શરૂ કર્યું તે નોંધપાત્ર છે. નોંધપાત્ર એટલા માટે કે પરંપરાગત (એટલે કે સ્થાપિત) પ્રકાશનોની નફા-નુકસાન અને લોકરંજન કરવાની પોતાની મર્યાદાઓ છે. એમાં એ જ છપાય છે, જે બજારમાં “ચાલે” એવું હોય. સ્વાભાવિક રીતે જ, તેમાં ગુણવત્તા કે નૈતિકતાનું મૂલ્ય નથી હોતું. તેમાં એવા લેખકોને જ સ્થાન મળે છે, જે “લોકપ્રિય” હોય. સ્વાભાવિક રીતે જ, એવા લેખકો પર વાચકોને ખુશ કરવાની મજબૂરી હોય છે.
“લોકોને જોઈતું હોય તે આપો”વાળા પ્રકાશનોની મુશ્કેલી મનમોહન દેસાઈ જેવી છે. દેસાઈએ એકવાર કહ્યું હતું કે, “મારી ફિલ્મો જોવા આવનારા લોકો મગજ ઘેર મૂકીને આવે છે.” એ તેમની સફળતાનું ગૌરવ છે કે દર્શકોનું અપમાન એ ખબર નથી, પરંતુ કઇંક અંશે, મુખ્ય ધારાનાં પ્રકાશનોનું પણ મનમોહન દેસાઈકરણ થયું છે (ફિલ્મોના દર્શકોની જેમ, સામયિકોના વાચકો પણ બુદ્ધિ ‘ઘેર’ મૂકીને વાંચે છે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે), પરંતુ રુબરુ વાત કરીએ ત્યારે ખબર પડે કે બહુ બધા વાચકો એવી ફરિયાદ કરતા હોય છે કે ગુજરાતીમાં વાંચનની ગુણવત્તાનું પતન થયું છે. લોકો જે મળ્યું તે વાંચતા રહે છે.
એવી સ્થિતિમાં, કોઈ તગડા આર્થિક પીઠબળ કે મસાલા-ફિલ્મો જેવાં લખાણોની ફોર્મ્યુલા વગર, ‘સાર્થક’ની ટીમે, ગુલઝાર, શ્યામ બેનેગલ કે ગોવિંદ નિહલાણીની જેવા પેરેલલ સિનેમાકર્મીઓની માફક ગંભીર અને ગુણવત્તાસભર લેખોનો ‘જલસો’ કરાવાનું ચાલુ રાખ્યું છે તે અભિનંદનને પાત્ર છે.
અને હા, આ વખતનો, દસમા વર્ષનો અંક ખાસ વાંચવા/વસાવવા જેવો છે. એમાં, મૂંગી ફિલ્મોના એન્સાઇક્લોપીડિયા મનાતા વીરચંદ ધરમશી, ક્રાંતિકારી કેપ્ટન લક્ષ્મી સહેગલ, ગુજરાતી પત્રકારત્વના એકમેવ હસમુખ ગાંધી (ત્રણ લેખો છે, અને લખવાવાળા ત્રણે અધિકૃત પત્રકારો છે) અને ગુમનામ ગાંધીવાદી સમાજસેવક નવલભાઈ શાહ પર અભ્યાસપૂર્ણ લેખો ઉપરાંત અન્ય રસિક સામગ્રી પણ છે.