વાહ! વાત તેવા પત્રકાર યુગલના જીવનની – જેના મહેનતુ જીવનનું સન્માન થયું!

 વાહ! વાત તેવા પત્રકાર યુગલના જીવનની – જેના મહેનતુ જીવનનું સન્માન થયું!

આલેખન: સંજય સ્વાતિ ભાવે, સંકલન: નીરવ જોશી (M-7838880134  & 9106814540

અભિનંદન !
પુનિતાબહેન નાગર-વૈદ્ય અને તેજસ વૈદ્ય દંપતિને ‘લાડલી’ મીડિયા અવૉર્ડ – સંજય સ્વાતિ ભાવે

પત્રકાર દંપતિ પુનિતા અને તેજસને નારીકેન્દ્રી પત્રકારત્વ માટે 2024ના વર્ષ માટેનું પ્રતિષ્ઠિત લાડલી મીડિયા સન્માન હમણાં થોડાક સમય પહેલાં જ મુંબઈના થાણા ખાતે યોજાયેલા એક સમારંભમાં મળ્યું છે.
પુનિતા નાગર-વૈદ્ય ‘દિવ્ય ભાસ્કર’ની મહિલા પૂર્તિ ‘મધુરિમા’ના ચીફ સબ-એડિટર અને તેજસ વૈદ્ય બી.બી.સી. ગુજરાતીના રિપોર્ટર છે. આ સિદ્ધી મેળવનાર સંભવત: આ પહેલું દંપતિ છે.

 

પુનિતા અને તેજસને રિજનલ કૅટેગરીમાં વિડિયો અને પ્રિન્ટ માધ્યમો માટે આ અવૉર્ડ મળ્યો છે. તેમની પસંદગી 14 ભાષાઓની 798 એન્ટ્રીઝમાંથી થઈ છે.
લાડલી અવૉર્ડ સળંગ બીજા વર્ષે મેળવનાર તેજસ માર્ચ મહિનામાં ‘ ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ગ્રુપના ‘ રામનાથ ગોએન્કા અવૉર્ડ ફૉર જર્નાલિઝમ’ થી પણ સન્માનિત થયા હતા.
Laadli Media and Advertising Awards for Gender Sensitivity એ Population First નામની સંસ્થા દ્વારા આપવામાં આવે છે. 2007 થી શરૂ કરવામાં આવેલો આ અવૉર્ડમાં જુદી જુદી કૅટેગરિઝમાં કુલ 74 ઇનામોનો સમાવેશ થાય છે.
અવૉર્ડ આપનાર સંસ્થાની ઓળખ social impact organization તરીકેની છે અને તે United Nations Population Fund ની સહાયથી ચાલે છે.તેના કાર્યક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી-પુરુષ સમાનતા અને સામાજિક જાગૃતિને લગતા ઉપક્રમોનો સમાવેશ થાય છે.
* * * * *


પુનિતાબહેનને આ સન્માન ‘ધાત્રી માતા’ એટલે કે ધાવ(ણ)-માતા પર તેમણે લખેલા માહિતી લેખ માટે મળ્યું છે.આ ફીચર ‘દિવ્ય ભાસ્કર’ ની મહિલા પૂર્તિમાં 1 ઑગસ્ટ 2023ના રોજ પ્રસિદ્ધ થયો હતો.
તેજસને આ લાડલી અવૉર્ડ ચાર મીનિટની વિડિયો ફિલ્મ માટે મળ્યો છે. તે કાગળ વીણવાનું કામ કરતી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી સ્ટેશનરી બનાવતી સહકારી મંડળી વિશે છે.તેજસની ફિલ્મ 06 જૂન 2023ના રોજ પ્રસારિત થઈ હતી.
* * * * *
પુનિતાબહેન ફીચરમાં ધાત્રી માતા દ્વારા દાનમાં આપવામાં આવતા દૂધના એકત્રિકરણના વૈશ્વિક સ્તરે અને ભારતમાં ચાલતા ઉપક્રમની માહિતી આપે છે.

કોઈમ્બતુરનાં સત્યાવીસ વર્ષનાં શ્રીવિદ્યાને સાત મહિનામાં 105 લીટર દૂધનું દાન કરવા માટે પારિતોષિક એનાયત થયું હતું. દસ માહિનાની દીકરી અને ચાર વર્ષના દીકરાના માતા શ્રીવિદ્યા બ્રેસ્ટ મિલ્ક ડોનેશનના પ્રચાર-પ્રસારમાં પણ સક્રિય છે એમ પુનિતાએ લખ્યું છે.

બાળકની તંદુરસ્તી માટે ધાવણની આવશ્યકતા,તે શરીરમાંથી લઈને સાચવવા માટેની પ્રક્રિયા અને દાન કરવા માટેની સ્વાસ્થ્ય સંબંધિત પાત્રતા વિશે પણ લેખમાં જાણવા મળે છે.અમદાવાદ અને વડોદરામાં પણ ધાવણ-દાન અને breast milk bank ની પ્રવૃત્તિ ચાલે છે.
* * * * *
તેજસની ફિલ્મ ગોમતીપુરમાં કાગળની બનાવટોનું ઉત્પાદન કરતા નાનાં કારખાના વિશે છે.તે સ્ટેશનરી બનાવતી ‘ગીતાંજલિ’ સહકારી મંડળીના ઉપક્રમે ચાલે છે. મંડળી સ્વાશ્રયી મહિલા સંગઠન ‘સેવા’ના સહયોગથી ચાલે છે.

તેમાં બનેલા ચોપડા,નોટબુક્સ, જુદા જુદા પ્રકારની ફાઇલ્સ વગેરે ઉત્પાદનો માતબર કંપનીઓ જથ્થામાં ખરીદે છે.
પાંચ મહિલાઓથી 1995માં શરૂ થયેલી આ મંડળી અત્યારે બસો સભ્યો અને બે કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે.આ ઉપક્રમથી મહિલાઓનું જીવનધોરણ અને સમાજમાં તેમનું સ્થાન કેવી રીતે ઊંચું આવ્યું તે પણ જાણવા મળે છે.

ફિલ્મમાં મશીન પર કોઈ મહિલા કાગળનો જથ્થો કટ કરતાં દેખાશે તો કોઈક પન્ચિન્ગ મશીન પર કામ કરતાં દેખાશે.તેર વર્ષ સુધી કાગળ વીણીને ગુજરાન ચલાવનારાં અને સાત ધોરણ ભણેલાં પાલી બહેન અત્યારે મંડળીના પ્રમુખ છે.

ચૂંટેલાં વિડિયોઝ અને મહિલાઓની મુલાકાતના ટૂંકા બાઈટસ સાથેની આ સ્ટોરિ સઘન અને સોંસરી બની છે.’સેવા’ના સ્થાપક ઇલાબહેન ભટ્ટે તેમના પુસ્તક ‘ગરીબ,પણ છૈયે કેટલાં બધાં’ (ગૂર્જર પ્રકાશન, 2007)ના ‘રદ્દી વીણનારાં’ પ્રકરણમાં ‘ગીતાંજલિ’ મંડળી વિશે લખ્યું છે.
* * * * *
જૂનાગઢનાં પુનિતા(જન્મ 1980) અને સોમનાથના તેજસ (1977) બંનેએ સાયન્સ ગ્રૅજ્યુએટ થયાં બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી 2001-2ના વર્ષમાં પત્રકારત્વની માસ્ટર્સ ડિગ્રી અને મનમેળ મેળવ્યાં છે. તે 2005થી મંગલ દામ્પત્યમાં અને તે પહેલાંથી પત્રકારત્વના વ્યવસાયમાં પરિણમ્યાં.
અમદાવાદ અને મુંબઈના અખબારો તેમ જ ન્યૂઝ ચૅનલ્સમાં વીસેક વર્ષથી કાર્યરત છે.પુનિતા-તેજસની નવ વર્ષની દીકરી રાવિના તેઓએ અનાવેલા સુંદર વિડિયોઝ ફેસબુક પર ઘણા લોકપ્રિય છે.
પત્રકાર દંપતિને અભિનંદન અને વધુ સિદ્ધીઓ માટે શુભેચ્છા.

 

પુનિતાનો લેખ :
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/dhatri-devo-bhava-131611219.html
તેજસનો વિડિયો

4 સપ્ટેમ્બર 2024
Laadli awards

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *