ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ
Avspost.com, Gandhinagar (7838880134)
રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારનો નિર્ધાર:મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ
¤ *ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષસ્થાને રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ*
¤ *માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો રાજય સરકાર સંતોષકાર રીતે ઉકેલ લાવવા તત્પર
આજે મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના તમામ માછીમાર સંગઠનોના પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાતની માછીમારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલ મુખ્ય બંદરો જેવાં કે, વેરાવળ અને જાફરાબાદ ઉપર દરીયાઇ ૧૦૮(સ્પીડ બોટ) સેવા શરૂ કરવી, ગુજરાતના મુખ્ય બંદરોમાં ગેરકાયદેસર થતી ફીશીંગ પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવું, ગુજરાતના બંદરોમાં માછલીના ન્યુનત્તમ વેચાણ ભાવ (એમ.એસ.પી) નકકી કરવા, રાજ્યના માછીમારોની બાકી રહેતી જુની સબસીડી ચૂકવવી, લેભાગુ વેપારીઓ દ્વારા ગુજરાતના બંદરો તેમજ દીવ-દમણના બંદરોમાં કૌભાંડ આચરનારાઓ ઉપર નિયંત્રણ લાવવુ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના SOPC(શેડ્યુલ ઓફ પોર્ટ ચાર્જીસ)માં ફીશરીસને લગતાં ચાર્જીસમાં ઘટાડો કરવો, દરિયાઇ તોફાન, અતિવૃષ્ટિ કે કુદરતી આફતમાં સંપર્ક થઇ શકે તે સારૂ સેટલાઇટ ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવવી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ સબસીડી યોજનામાં અગાઉની પ્રથા મુજબ વેટ કાપીને ડીઝલ આપવાની શક્યતાઓ તપાસવી તેમજ રીટેલ આઉટલેટ કરતાં કન્ઝયુમર પંપોના ભાવ તફાવત અંગે ચર્ચા, OBM/IBM બોટની સબસીડી રોટેશન ડ્રો સિસ્ટમથી આપવામાં આવે છે તે બંધ કરી રાબેતા મુજબની પદ્ધતિ અમલમાં મૂકવા શક્યતા તપાસવી, વેરાવળ બંદરની મત્સ્યોદ્યોગ કચેરીના નવીનીકરણ બાબત, માછીમારોની રજુઆત મુજબ ફીસીંગ સીઝન ૧(એક) ઓગષ્ટ છે જેમાં ફેરફાર કરી, ૧(એક) સપ્ટેમ્બર કરવા શક્યતાઓ ચકાસવી તથા ઉમરગામ, કોસંબા, નાની દાંતિથી મરોલી અને ખતલવાડા(જી.વલસાડ) ખાતે આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર(એફ.એલ.સી.) ખાતે સુવિધાઓ ઉભી કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
તદઉપરાંત પોરબંદર અને વેરાવળ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા થતા વાર્ફ વોલ, બ્રેક વોટર, ડ્રેજીંગ જેવા કામોની સમીક્ષા કરવી, ગીરસોમનાથ જિલ્લાના માંગરોળ અને નવા બંદર ખાતે નવીન બંદરો બનાવવાની કામગીરીની સમીક્ષા તથા સુત્રાપાડા અને માઢવાડ ખાતે થતાં બંદરના કામોની સમીક્ષા, તાઉતે વાવાઝોડાથી સૈયદ રાજપરા, નવાબંદર અને જાફરાબાદ બંદરોને થયેલ નુકસાનના ચાલુ કામોની સમીક્ષા, જામનગર જિલ્લાના સચાણા બંદર ખાતે નવી જેટી સંદર્ભે અને સિક્કા, સચાણા અને જોડીયા બંદરો ખાતે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી માછીમારી વ્યવસાયને વેગ આપવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી શ્રી રાઘવજી દ્વારા માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો સંતોષકાર રીતે ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સંસદસભ્ય શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને શ્રી પ્રધ્યુમન વાજા, મત્સ્ય વિભાગના સચિવ શ્રી ભીમજીયાણી, મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી સાંગવાન તથા રાજ્યના દરિયાઇ જિલ્લાઓમાંથી માછીમારી સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.