ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
23 મો કારગિલ વિજય દિવસ, આ દિવસનો શું બોધપાઠ ભારતીયો લેશે?
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
આજે 23 મો કારગીલ વિજય દિવસ છે. આજે સવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે અને આર્મીના ત્રણે પાંખના સર્વોચ્ચ વડાઓએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સપૂતોને નમન કર્યા હતા.
કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના અપ્રતિમ શોર્ય અને બહાદુરીને યાદ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને કારગીલ વિજય દિવસના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વિજય દિવસ અંગે પોતાની લાગણી પ્રગટ કરી હતી અને જવાનોને નમન કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુએ પણ ટ્વીટ કરીને કારગીલ વિજય દિવસની સમગ્ર દેશને યાદ દેવડાવી હતી.
આજથી 23 વર્ષ પહેલા કારગિલ વોર કે યુદ્ધ લડાયું હતું જે ખરેખર કોઈ યુદ્ધ નહોતું પરંતુ ભારતીય સીમામાં ખાસ કરીને જમ્મુ કશ્મીરની દ્રાસ અને કારગીલની પહાડીઓ પર પાકિસ્તાન તેમજ આંતંકવાદીઓનો જે ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તેનો એક ભયાનક પ્લાન હતો તેને નિષ્ફળ બનાવ્યો હતો.
ભારતીય સેનાના ગુપ્તચર ખાતાને સૌપ્રથમ ત્યાં બકરીઓ ચરાવનારા ચરવાહા એટલે કે ભરવાડ જ્ઞાતિના કેટલાક લોકોએ પાકિસ્તાની ત્રાસવાદી અને જવાનોની શંકાસ્પદ હિલચલ તેમજ કબજા વિશે મે મહિના 1999 માં માહિતી આપી હતી. શરૂઆતમાં ગયેલી ટુકડીને તો પાકિસ્તાને બંધક બનાવીને ભારતીય જવાનોને કુરતાપૂર્વક માર્યા હતા અને પાંચ જવાનોની ભયંકર હાલત કરી હતી જેમાં કેપ્ટન કાલિતાનું ઉદાહરણ આજે પણ યાદ કરાતા ધ્રુજી જવાય છે. પાકિસ્તાનની ગદારીને વિગતે જાણ્યા બાદ બાદ તેને તરત જ પાઠ ભણાવો એ ભારત માટે અનિવાર્ય બની ગયું હતું અને તે સમયની તત્કાલીન બાજપાઈ સરકાર માટે ઈજ્જતના ધજાગરા થાય તેવો માહોલ સર્જાયો હતો. કારણ કે એ સમયે બાજપાઈની સરકારે પાકિસ્તાન સાથે મિત્રતા નો નવો અધ્યાય લખવાની ફાંકાબાજી કરી હતી અને પાકિસ્તાન ભારત ને ડફોળ બનાવીને સમગ્ર કારગીલ વિસ્તારમાં એના સૈન્ય અને તેમના ત્રાસવાદીઓ વડે પૂરેપૂરી રીતે ભારત લદાખથી વિખુટું પડી જાય તેવી રીતે ઘૂસણખોરી કરી અને પહાડીઓ પર પોઝિશનમાં ગોઠવાઈ ગયા હતા. આખું ભારતીય સૈન્ય ઊંઘતું ઝડપાયું હતું એવો મે મહિના, 1999 દરમિયાન ઘાટ સર્જાયો હતો.
ભારતીય સેનાના ત્રણેય પાંખના જાંબાજ જવાનોએ સામે છાતીએ ગોળીઓ અને દારૂગોળાના પ્રહારોથી જરા પણ વિચલિત થયા વિના ભારતીય શોર્ય અને અપ્રતિમ સાહસનું પરિચય આપતા હોય તેમ બે મહિના સુધી યુદ્ધ લડ્યું હતું અને સમગ્ર વિસ્તાર જે અલગ અલગ પહાડીઓ પર પાકિસ્તાનના ત્રાસવાદીઓ અને પાકિસ્તાની સૈનિકોએ કબજો કર્યો હતો તેને ફરીથી ભારત તરફ અને ભારતના વિસ્તારો પાકિસ્તાની આંતકવાદી ના કબજાથી ખાલી કરાવ્યા હતા. ભારતીય સૈન્યના જવાનોએ બધી જ પહાડીઓ પર ભારતની ચોકીઓને પ્રસ્થાપિત કરી હતી. આમ સમગ્ર ઓપરેશન વિજય એ મેં અને જૂન એમ કુલ બે મહિના ચાલ્યું હતું ને જુલાઈની 14 એ પૂરું થયું હતું.
26 જુલાઈ ઓપરેશન વિજયનો કારગિલ વિજય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી એ સમય તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ભોગે મા ભોમની રક્ષા કાજે શહીદો થયેલા જવાનોએ જે પણ અપ્રતિમ બલિદાન આપ્યું છે તે ક્યારેય પણ ભુલાશે નહીં. કુલ 528 જેટલા જવાનો શહીદ થયા હતા અને આશરે 3000 થી પણ વધારે સૈનિકો ઘાયલ થયા હતા.
કારગિલ યુદ્ધ એ તત્કાલીન બાજપાઈ સરકારની પાકિસ્તાન સાથેની એક નિષ્ફળ વિદેશ નીતિનું પણ પુરાવો કે નમૂનો કહી શકાય કારણ કે એ સમયે તેઓ લાહોર ખાતે પહોંચનારી ભારતીય બસમાં બેસીને મુસાફરી કરીને પહોંચ્યા હતા અને એ સમયે ભારતના પીઠમાં ખંજર છુપી રીતે ભોંકતા હોય તે રીતે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની સરહદે ભારતની પહાડીઓ એટલે કે કારગિલની પહાડીઓ પર પોતાના ત્રાસવાદીને ઘુસાડતું હતું! જેની જરા પણ ગંધ ભારતીય ગુપ્તચર શાખા કે ભારતીય સેનાને આવી ન હતી….
આમ ભારતીય સૈન્ય જે વિશ્વનું ખૂબ મોટું અને ખૂબ જ શિષ્ટ બુદ્ધ સૈન્ય કહેવાય છે તેને પણ દુશ્મનની આવી કુટીલ ચાલ વિશે કોઈ અણસાર કેમ ન આવ્યો તે એક મોટો પ્રશ્ન છે ???? એ વખતે અટલબિહારી બાજપાઈ મુશરફ સરકારની વાતોમાં આવીને દોસ્તારીનો અનોખો સંદેશ આપવા માટે દિલ્હીથી લાહોરની બસમાં પણ મુસાફરી કરીને વિશ્વ સમક્ષ પોતાની એક નવી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાકિસ્તાને કઈ રીતે ભારત ને છેતર્યું એ ગણતરીના મહિનાઓમાં સ્પષ્ટ થઈ ગયું.
શું ઈતિહાસમાંથી આપણે બોધપાઠ લઈશું?
એ શહીદ થયેલા જવાનોના પરિવારો ના સભ્યોના 23 વર્ષમાં કેવા હાલ થયા હશે?
ભારતે આ યુદ્ધથી શું શીખ્યું એ પણ દરેક ભારતીય યાદ રાખવાની જરૂર છે. હંમેશા ભારત અને ભારતના કેટલાક મૂર્ખ , સરકારી બાબુઓની માયાજાળમાં પડેલા, અહંકારી તેમજ પોત પોતાની ખુશામતમાં રહેનારા રાજકારણીઓ અને તેમના વડે સર્જાયેલા રાજકારણને કે ગોટાળાઓ ને પરિણામે હજારો જવાનોને પણ પોતાના જીવ ખોવાનું વારો આવે છે એ આ કારગીલ વોર – વિષય અભ્યાસ કરીને જાણી શકાય છે.
ભારતીય સૈન્યના શહીદો અને તેમના પરિવારના સભ્યોને શત શત નમન!