ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો
AVSPost બ્યુરો, અમદાવાદ. (M-7838880134)
આજની પોઝિટિવ સ્ટોરી
નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખઃ ત્રણ તપ એટલે કે 36 વર્ષની ઝળહળતી પત્રકારત્વની કારકિર્દી
આલેખનઃ રમેશ તન્ના
30મી મે, 1964ના રોજ, મોસાળ ઈન્દોરમાં જન્મેલા અને જેમની કર્મભૂમિ અમદાવાદ રહી છે તેવા ભાર્ગવ પરીખને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાતો નચિકેત એવોર્ડ, 15મી ડિસેમ્બર, 2021, બુધવારના રોજ, સુરતમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત થવાનો છે.
શ્રી ભાર્ગવ પરીખ ગુજરાતી પત્રકારત્વનું એક એવું નામ છે જેણે સાતત્ય સાથે લોકનિષ્ઠ પત્રકારત્વનું ખેડાણ કર્યું છે. તેમના અનુભવોનું બયાન કરવા જઈએ, સમાજ પર પડેલી તેની અસર વિશે અલપ-ઝલપ લખવા જઈએ તો પણ એક પુસ્ક પ્રકાશિત કરવું પડે. એમાં વિવિધતા પણ છે અને ગુણવત્તા પણ છે. એમાં સાંપ્રત કથાઓ પણ છે અને જેની ચિરંજીવ અસર હોય તેવા વિષયો પણ છે. એ પરિશ્રમી અને ઝુઝારું પત્રકાર છે. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.
તેમના પિતાજી નિરંજન પરીખ પણ પત્રકાર હતા. તેમણે મોટાભાગે સંદેશમાં કામ કર્યું. નિરંજન પરીખનું નામ પત્રકારોને સંગઠિત કરવા માટે જાણીતું છે.
ઈઝરાયલના એક ઈતિહાસકારે મનુભાઈ પંચોળીને કહ્યું હતું કે, સંગઠિત સત્ય હંમેશાં જીતે છે. સત્ય જેવું સત્ય પણ સંગઠિત થાય ત્યારે તેની જીત થતી હોય છે. સંગઠનની મોટી તાકાત છે. પત્રકારોને તેમના અધિકારો નહોતા મળતા ત્યારે નિરંજનભાઈએ ઝંડો ઊઠાવ્યો હતો. એમ કહો કે, મશાલ ઊઠાવી હતી. એ પ્રજ્જવલિત મશાલથી તેઓ દાઝ્યા પણ ખરા. અલબત્ત, અણનમ રહ્યા અને પત્રકારોને તેમના હક્કો અપાવીને જ રહ્યા.
નિરંજનભાઈ પરીખ ખૂબ વહેલા ગયા. માત્ર 47 વર્ષની વયે તેમણે વિદાય લીધી. મૂડીવાદના અનેક હુમલાઓનો સામી છાતીએ, રમતાં રમતાં સામનો કરનાર, આ બહાદુર હૃદયરોગના હુમલા સામે ન ટકી શક્યો.
એ વર્ષ હતું, 1983નું.
એ વખતે ભાર્ગવભાઈની ઉંમર સાડા સત્તર વર્ષની હતી.
ઘરમાં માતા, એક બહેન. ભાર્ગવભાઈના યુવા ખભા પર અચાનક મોટો ભાર આવી ગયો.
અલબત્ત, ભાર્ગવભાઈ નાનપણથી જ પરિશ્રમી હતા. કઠણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર હતા.
તેમણે ડિપ્લોમા ઈન જર્નાલિઝમનો કોર્સ કર્યો હતો. જોકે, આર્થિક ઉપાર્જન માટે ઘણી ખાનગી કંપનીઓમાં તેમણે સેલ્સમેન તરીકે કામ કર્યું હતું.
એ વખતે નવું નવું સમભાવ દૈનિક શરુ થયું હતું. તેના સ્થાપક અને તંત્રી ભૂપતભાઈ વડોદરિયાએ ભાર્ગવભાઈને બોલાવ્યા. પૂછ્યું, શું કરે છે ?
“સુધરેલો ફેરિયો છું.” ભાર્ગવભાઈએ જવાબ આપ્યો.
ભૂપતભાઈએ કહ્યું કે, “કાલથી આવી જા.”
ભાર્ગવભાઈ શાળામાં હતા ત્યારથી તેમને વાંચવાનું અને લખવાનું ખૂબ ગમતું. સારું અને સર્જનાત્મક લખી પણ શકતા. કિશોરકાળમાં લખેલી એક વાર્તા લઈને તેઓ પોતાની રીતે જ સંદેશમાં ગયા. પૂર્તિ સંપાદકને એ વાર્તા ગમી. જોકે, ત્યાં જ કામ કરતા તેમના પિતા નિરંજનભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમણે ધરાર વાર્તા ન છાપવા દીધી. કહ્યું કે, લોકોને એવું લાગશે કે, મારા કારણે તારી વાર્તા છપાઈ છે.
નામાંકિત વ્યક્તિઓના સંતાનોને ક્યારેક આવા ગેરફાયદા પણ થતા હોય છે.
ભાર્ગવભાઈ “સમભાવ”માં ખૂબ ઘડાયા. બરાબર ટીપાયા. અહીં રિપોર્ટિંગ, પ્રૂફ રીડિંગ, અનુવાદ, પેજમેકિંગ એમ બધા જ વિભાગોમાં તેમણે કામ કર્યું. આળસ કે કંટાળો તેમના સ્વભાવમાં નહીં. નવું નવું શીખવાની ટેવ. આ બધું શીખેલું આગળ જતાં તેમને ખૂબ કામ આવવાનું હતું.
પિતા મૃત્યુ પામ્યા ત્યારે બેંકમાં 86 રુપિયા મૂકીને ગયા હતા. યુવાન ભાર્ગવભાઈને ઘર ચલાવવા વધારે મહેનત કરવી પડે તેમ હતી. કરી. શરીર પાસેથી તેમણે બરાબરનું કામ લીધું. પત્રકાર તરીકેની નોકરી ઉપરાંત તેમણે જુદાં જુદાં સામયિકો માટે અનુવાદો કરી આપ્યા, લેખો લખી આપ્યા. તેમને નામ ન મળે પણ દામ મળે એ રીતે પુસ્તકોના અનુવાદો પણ કર્યા.
મૂળ વાત એ હતી કે, બે છેડા ભેગા કરવાના હતા.
વાંચન, લેખન અને ભાષા સજ્જતાના સહારે તેઓ આગળ વધતા ગયા અને વિકસતા પણ રહ્યા.
ક્યારેક ભૂલો પણ કરી. ક્યારેક ચૂક પણ કરી. જોકે, જે કામ કરે તેને ભૂલ અને ચૂક કરવાનો અધિકાર હોય છે. છેવટે તો બધામાંથી શીખતા જ રહ્યા.
1986થી 1988 સમભાવમાં ભાવપૂર્વક કામ કર્યું. અહીં તેમનો મજબૂત પાયો નખાયો. એ પછી તેઓ ગુજરાત મિત્રમાં જોડાયા. ગુજરાત મિત્ર સુરતનું છાપું. તેના અમદાવાદ-ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તેમણે ઉત્તમ કામ કર્યું.
એ પછી 1990માં તેઓ જન્મભૂમિમાં જોડાયા. મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિની અમદાવાદ આવૃત્તિ શરુ થઈ હતી. અહીં તેમના ખભા પર ઘણી વધારે જવાબદારી આવી અને તેમણે એ જવાબદારી સૂપેરે નિભાવી. બે-બે દવે તંત્રીઓના હાથ નીચે અને હૃદય સાથે કામ કર્યું. મુંબઈમાં હરીન્દ્ર દવે મુખ્ય તંત્રી અને અહીં અમદાવાદમાં જયંતીભાઈ દવે તંત્રી. ઉત્તમ કામ થયું. સમાજ સાથે રહીને કામ કરવાની ટેવ વાળા ભાર્ગવભાઈ સતત લખતા રહ્યા. કોઈ એક વિષયને બદલે તેમણે ઘણા વિષય પર કલમ ચલાવી. રાજકારણ કે જાહેરજીવનની બીક હોય એટલે તેના વિશે તો લખવું જ પડે, પરંતુ સમાજલક્ષી પણ લખતા રહ્યા.
તેમને પડકારો ગમે. નવી નવી સ્ટોરી કરવાનું સૂઝે. એના માટે મહેનત કરે. સ્વભાવ મિલનસાર એટલે જોતજોતામાં સંપર્કો ઊભા કરી દે. કોઈ પણ સફળ પત્રકારો માટે તે બહોળા સંપર્કો અનિવાર્ય હોય છે. ભાર્ગવભાઈનો સંપર્ક વિશ્વ અત્યંત વિશાળ છે. તમે કોઈ પણ ક્ષેત્રનું નામ બોલો, ગુજરાતનું કોઈ પણ નગર હોય, ભાર્ગવભાઈના સંપર્કો ચોક્કસ હોય જ. પોતાને જોઈતી વિગત તેઓ મિનિટોમાં મેળવી શકે.
ગુજરાત મિત્રમાં તેમને બાયલાઈન જોઈતી હતી. તંત્રી ભગવતીકુમાર શર્માએ પડકાર ભરેલું પ્રોત્સાહન આપ્યું. કહ્યું કે, મને એવી સ્ટોરી આપ કે મારે પહેલાં પાને તારા નામ સાથે છાપવી પડે. યુવા ભાર્ગવે આ પડકાર ઝીલી લીધો. થોડા દિવસોમાં જ, ગુજરાત મિત્રના પહેલાં પાને સ્ટોરી છપાઈઃ સુરતમાં આખા ગુજરાતના સૌથી વધુ એઈડ્સના દર્દીઓ.
એ પછી તેમને મેગેઝિન પત્રકારત્વમાં પગરણ માંડ્યા. 1992થી તેઓ અભિયાનમાં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કર્યું. એ પછી ચિત્રલેખામાં જોડાયા. હરકિશન મહેતાની સ્કૂલમાં બરાબર ખીલ્યા. એકથી એક ચડિયાતી અનેક સ્ટોરી કરી. હરકિશનભાઈને ખુશ કરવા અઘરા, પરંતુ ભાર્ગવભાઈની કામગીરી એ કરી શકે. પાછા અભિયાને બોલાવ્યા તો 1997થી 2001 સુધી પુનઃ ત્યાં કામ કર્યું.
છ વર્ષ દૈનિક વર્તમાનપત્રોમાં અને 10 વર્ષ મેગેઝિન જર્નાલિઝમમાં આપ્યા પછી ભાર્ગવભાઈ ઈલેક્ટ્રોનિક મીડિયા તરફ વળ્યા.
2001માં તેઓ ઝી ગ્રુપ સાથે જોડાયા. આલ્ફા ગુજરાતી ચેનલ અને મુખ્ય ઝી ચેનલમાં તેમણે કામ કર્યું. તેઓ નેશનલ કક્ષાના આસિસ્ટન્ટ એડિટર પણ હતા.
17 વર્ષ તેમણે બરાબર, જાતને ઓગાળી દઈને કામ કર્યું.
2017માં તેમણે ઝી ગ્રુપ છોડ્યું.
2016માં તેમણે મોઢાનું કેન્સર થયું. તેમના માટે એ ખૂબ જ કપરા દિવસો હતા. અલબત્ત, અંદરની પ્રબળ શક્તિ એટલે કેન્સર સામે લડત આપીને જીત્યા પણ ખરા. દોઢ મહિનામાં તેમણે કેન્સરને હરાવ્યું.
એ પછી તેઓ હવે બીબીસી ગુજરાતી અને જન્મભૂમિ ગ્રુપ માટે કન્ટેન્ટ પ્રોવાઈડર તરીકે કામ કરે છે. હવે તેઓ કોઈ ગ્રુપ સાથે ફૂલ સમય કામ કરતા નથી.
ભાર્ગવભાઈએ પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું. એમાં દૈનિક વર્તમાનપત્ર અને મેગેઝિન બંનેમાં ફરજ બજાવી. એ પછી ઈલેક્ટ્રોનિક મીડિયામાં દીર્ઘ સમય સુધી કામ કર્યું અને 2016થી તેઓ હવે ડિજિટલ પત્રકારત્વ કરી રહ્યા છે. આમ પત્રકારત્વનાં ત્રણે સ્વરુપોમાં સાતત્ય સાથે, લાંબો સમય અને અસરકારક રીતે તેમણે કામ કર્યું છે.
રાજકારણ, ક્રાઈમ, હ્યુમન ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી, એજ્યુકેશન અને લોકઉત્કર્ષ જેવા વિષયો તેમને વધારે ગમે છે. તેમણે કરેલી શ્રેષ્ઠ સ્ટોરીનું લિસ્ટ બનાવીએ તો એકસોથી પણ વધી જાય. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.
સંશોધનાત્મક પત્રકારત્વમાં પણ તેમણે ઉત્તમ કામ કર્યું છે. તેમની સ્ટોરીઓના પડઘા ગુજરાત વિધાનસભામાં અને સંસદમાં પડ્યા હોય તેવું પણ બન્યું છે.
સતત સંઘર્ષ કરતા રહ્યા છે. સતત મથતા રહ્યા છે. જોકે, ક્યારેય હાર્યા કે થાક્યા નથી. તેમનો અંદરનો પાવર ખૂબ મજબૂત છે.
અને એનાથીયે મજબૂત છે જીવનસાથી ઈલાબહેનનો સાથ. તેમને એક શક્તિશાળી, બહાદુર અને પ્રેમાળ જીવનસાથી મળ્યાં છે. તેમણે જીવનની દરેક ક્ષણે ભાર્ગવભાઈને સતત સાથ આપ્યો છે. સુખ હોય કે દુઃખ, તડકો હોય કે છાંયડો, ચડાવ હોય કે ઉતાર, આનંદ હોય કે વિષાદ… ઈલાબહેન ભાર્ગવભાઈની શક્તિ બનીને સતત તેમની સાથે હાજરાહાજૂર રહ્યાં છે.
બીજી શક્તિ મળી, દીકરીની. તેનું નામ કવની. કવન પરથી નામ પાડ્યું કવની. કવનીનો અર્થ થાય છે, આત્માથી લખાયેલી કવિતા. કવનીએ પણ પિતાને ખૂબ સાચવ્યા. ખાસ કરીને નબળા સમયમાં. કોઈ પણ વ્યક્તિ હોય તેના જીવનમાં નાજુક અને નબળો સમય આવતો જ હોય છે. ભાર્ગવભાઈ આવા એક નાજુક સમયમાંથી પસાર થતા હતા ત્યારે દીકરી કવનીએ, તેમને પૂછ્યા વિના, તેમના માટે યોગ્ય તેઓ નિર્ણય કર્યો હતો. ભાર્ગવભાઈને નવાઈ પણ લાગી હતી અને સારું પણ લાગ્યું હતું.
પિતાનું ઘર છોડતી વખતે ધોધમાર આંસુ વહેવડાવતી મોટાભાગની દીકરીઓ પિતાનાં આંસુ લૂછનારી હોય છે એ ભૂલવા જેવું નથી. હવે તો આઈટી એન્જિનિયર કવની પરણીને પતિ સાથે પૂણેમાં સ્થાયી થઈ છે.
ભાર્ગવભાઈની આંખોમાં તમે જુઓ છો અને તમને વંચાય છે કે, મેં મારાથી થઈ શકે તેવું શ્રેષ્ઠ પત્રકારત્વ કર્યું તેનો મને સંતોષ છે. ભાર્ગવભાઈ, જે બાબત માટે તેમને સંતોષ છે તે બાબત માટે ગુજરાતને આનંદ અને ગૌરવ છે.
વેલડન ભાર્ગવભાઈ.
તમારા પિતાએ ગુજરાતી પત્રકારો માટે, ઘણો વ્યક્તિગત ભોગ આપીને કામ કર્યું હતું. પત્રકારોને સારાં પગારધોરણ તેમના પ્રયત્નોથી મળતાં થયાં હતાં. તમારાં માતા સતત આગ્રહ રાખતી હતી કે, ઘરમાં એક પણ અણહક્કનો પૈસો ન આવવો જોઈએ. તમે માતા અને પિતા બંનેને પરમ સંતોષ થાય તે રીતે પત્રકારત્વ કરી દેખાડ્યું છે. આ જ એક મોટો એવોર્ડ છે.
અને હા, તમને નચિકેત એવોર્ડ મળી રહ્યો છે તેનો અમને બધાને પણ ઘણો આનંદ છે.
સાચો પત્રકાર એ કહેવાય છે જે સતત લોકોની વચ્ચે રહે છે. તેના પગમાં જે ફોલ્લા પડે તેના વડે જગતનો ઈતિહાસ લખાય છે. તમે એવા જ પત્રકાર છો, જેના પગમાં પડેલા ફોલ્લા અને હાથમાં ઉઠેલા છાલ્લા વડે ગુજરાતના ઈતિહાસનાં ઘણાં પ્રકરણો લખાયાં છે.
ભગવાન તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે તમારા સપનાં પ્રમાણે, જીવનના ઉત્તરાર્ધમાં, સાબરકાંઠાના કોઈ ગામમાં બેસીને, ગામનું ઉત્થાન કરતાં કરતાં નિરાંતવી જીવન સંધ્યા માણો.
શ્રી ભાર્ગવ પરીખનો સંપર્ક નંબરઃ 96876 10860 છે.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475)