ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ફીંડલા – હાથલા થોર જેવી વનસ્પતિ ઔષધીના ઉપયોગમાં કેવી રીતે લેવામાં આવે છે?
હેમંત ઉપાધ્યાય, અમદાવાદ
- ફીંડલા | હાથલા થોર | ની ઉપયોગીતા શું હોય છે?
- ગામડાના લોકો પહેલાના જમાનામાં ફીંડલા નો શુ ઉપયોગ કરતા ?
- ફીન્ડલા ના અનેક ઔષધીય ગુણ અને તેના અનેક ફાયદાઓ અને નુકસાન વિષે
આપણે બધા ઘરના શુશોભન માટે વિવિધ પ્રકાર ની સજાવટ કરતા હોઈએ છીએ પછી ભલે એ અલગ અલગ પ્રકાર ની વસ્તુઓથી હોય કે ઝાડ, ફૂલ પાંદડા થી હોય.
ઘણખરા ઘરોમાં એક કાટા વારો નાનું એવું છોડ જોવા મળતું હોય છે. જેને આપણે cactus થી ઓળખતા હોઈએ છીએ. તેના ઘણા બધા નામ છે. જેમકે, નાગફણી, ફીંડલા.
કાટાણો છોડ હોવા છતાય તે સજાવટ માં ખુબ જ સુંદર લાગતું હોય છે. તેનો ઉપયોગ ફક્ત સુંદરતા માટે જ નહિ, પરંતુ એક ઔષધી તરીકે પણ કરવામાં આવે છે.
જુના જમાના માં તેનો ઉપયોગ કાન વીંધવા માટે પણ કરવામાં આવતો હતો, કારણકે તેમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલા હોવાને લીધે તેના થી કાન પાકતો પણ નહિ અને તેમાં રસી પણ ન થતી.
ફીન્ડલા એક એવું છોડ છે જેના થડ પાંદડા આકારનું હોય છે, તેમ છતાય તે ગર્ભ થી ભરપૂર હોય છે. તેને સુકા પ્રદેશ નો છોડ કહેવામાં આવે છે કારણકે, તે વગર પાણી એ પણ ઉગે છે.
આ છોડ ધીમે ધીમે મોટું થાય છે અને ખુબ જ લાંબો સમય સુધી જીવિત રહે છે. તેની લગભગ ૨૫ જેટલી પ્રજાતિઓ મળી રહે છે.
ફીન્ડલા માં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગનીઝ જેં તત્વો મળી રહે છે. તેમાં કેલેરી નું પ્રમાણ નહીવત હોય છે. ફીન્ડલા ખાવામાં કડવા અને તેની તાસીર ગરમ હોય છે.
તેમ છતાય તે કફ ને દૂર કરનાર અને રદયને સ્વસ્થ રાખનાર છે ને ખાસ કરીને તેનો ઔષધીય ગુણ એ છે કે તે લોહીને શુદ્ધ કરે છે.
તો ચાલો આજે જાણો ફીન્ડલા ના અનેક ઔષધીય ગુણ અને તેના અનેક ફાયદાઓ અને નુકસાન વિષે.
હાથલો થોર (Opuntia dillenii Haw; કેકટેસી કુળ સં. कंथारी, कुंभारी; હિન્દી -नागफनी थुहर; મરાઠી – फणी निवडुंग; ગુજરાતી હાથલો થોર, ફાફડો થોર) : તે 2.0 મી. ઊંચું અને પહોળા અંડાકાર, લીલા સાંધાવાળું ટટ્ટાર ક્ષુપ છે. તેના સાંધાની પ્રત્યેક ક્ષેત્રિકા (areole) 4થી 6 આછા પીળા રંગના અને કેટલેક અંશે વાંકા કાંટા ધરાવે છે. સૌથી મોટો કાંટો મજબૂત અને 2.5થી 3.8 સેમી. જેટલો લાંબો હોય છે. પુષ્પો પીળાં અને નીચેના ભાગે નારંગી છાંટવાળાં હોય છે. પરિપક્વ ફળ ઘેરા રતાશપડતા જાંબલી રંગનાં, નાખરૂપ (pyriform), છિન્નત (truncate) અને અગ્ર છેડેથી અવનમિત (depressed) હોય છે. આ જાતિ લગભગ સમગ્ર ભારતમાં થતી હોવા છતાં સામાન્યપણે વધારે તે દક્ષિણ ભારતમાં થાય છે. તેનો ઉપયોગ વાડ બનાવવામાં ખૂબ થાય છે; કારણ કે સૌથી શુષ્ક અને નિમ્ન કક્ષાની મૃદામાં પણ તે સારી રીતે થઈ શકે છે તથા તેનું પ્રસર્જન સરળતાથી થઈ શકે છે. વળી, તેનું કાંટાળું સ્વરૂપ સારા પ્રમાણમાં રક્ષણ આપે છે.
દક્ષિણ ભારતમાં આ થોર 18મી સદીના મધ્ય ભાગમાં પ્રવેશ પામ્યો હોવાનું મનાય છે અને ત્યાંથી બીજા ભાગોમાં ખેતરની ફરતે વાડ બનાવવામાં થતા પુષ્કળ ઉપયોગને કારણે પ્રસરણ થયું હતું. તે દક્ષિણ ભારતમાં વધારે પ્રમાણમાં થાય છે. સૌથી શુષ્ક અને નીચું ઊપજમૂલ્ય ધરાવતી ભૂમિમાં પણ તેની ઊગવાની ક્ષમતાને લીધે તેમજ તેના સરળતાથી થતા પ્રસર્જનને કારણે તેનો વાડ બનાવવામાં ખૂબ ઉપયોગ થાય છે.
તેનાં ફળ ખાદ્ય હોય છે ફળ નાસપાતી આકારનું, છેદિત (truncate), ટોચ ઉપર ખાડાવાળું, પાકે ત્યારે ઘેરા લાલાશ પડતા જાંબલી રંગનું હોય છે અને કાંટા તથા ફાંસો ધરાવે છે. સ્વાદે મીઠાં હોય છે અને ઘણા લોકો તેનાં ફળ ખાય છે. તેના રસથી લાલ શાહીની જેમ લખાય છે.તે જાડા રેસાઓ ધરાવે છે. તેમાંથી કાગળની લૂગદી બનાવવામાં આવે છે. આ લૂગદી ટૂંકા રેસાઓ ધરાવે છે અને તે બનાવવા માટે પ્રક્રિયકો વધારે પ્રમાણમાં જરૂરી હોય છે.
તે શ્લેષ્મ ધરાવે છે. આ શ્લેષ્મમાં ગૅલૅક્ટોઝ, ગ્લુકોઝ અને ઍરેબીનોઝ હોય છે. તે શુષ્કક (drier) તરીકે વપરાય છે.
પુષ્પમાં આઇસોરહેમ્નેટીન અને ક્વિરસેટીન પ્રકારનાં ગ્લાયકોસાઇડ્ઝ 3:1 ના પ્રમાણમાં અને મુક્ત ફ્લેવોનોલ અલ્પ પ્રમાણમાં હોય છે. તેનો મિશ્ર ખાતર (compost) બનાવવામાં ઉપયોગ થાય છે. પ્રકાંડના ઈથરનિષ્કર્ષમાં કેટલીક પ્રતિજૈવિક ક્રિયાશીલતા માલૂમ પડી છે.
તેનાં શેકેલાં ફળો ઉટાંટિયામાં વપરાય છે. તેનો રસ પિત્તરસના સ્રાવને ઉત્તેજે છે અને ઉગ્ર કફને કાબૂમાં રાખે છે. સાંધાઓ પોટીસ બનાવવામાં વપરાય છે.
તે ઉદ્દીપક, રુચિકર, તીખો, ઉષ્ણ અને કડવો હોય છે અને રક્તદોષ, કફ, વાયુ, ગ્રંથિરોગ, સ્નાયુરોગ અને સોજાનો નાશ કરે છે. ફળનો રસ દાહશામક, કફઘ્ન અને સંકોચવિકાસ-પ્રતિબંધક હોય છે. તેનાં પંચાંગનો ક્ષાર સારક અને મૂત્રલ હોય છે. તેનું મૂળ રક્તશોધક હોય છે. પંચાંગનો સ્વરસ હૃદય માટે પૌષ્ટિક હોય છે. જીર્ણ આમવાત અને સાંધાઓના સોજા પર મૂળનો ક્વાથ અપાય છે.
આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખ ના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે.
ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. ઉંદર પર કરાયેલા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે. આ સિવાય શરીરમાં રહેલા રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.
ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદારુપ સાબિત થાય છે.
લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે, છતાં આ અંગે વધુ રિસર્ચ અને સંશોધનો કરવામાં આવી રહ્યા છે. લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરુ થઈ જાય છે ત્યારે ફિંડલા ફળમાં રહેલા તત્વો ટાઈપ-II ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે. પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાસયની તકલીફો દૂર રહે છે.
ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત એટલે કે પિત્તાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બનશે અને તમે સ્વસ્થ રહેશો. પેલી કહેવાત છે ને.. જેનું પેટ સાફ તો સાફ તેને રોગો કરે માફ..
આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરુરી કેલ્સિયમનો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. આ કેલ્સિયમ તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
કેક્ટરનું ફિંડલા નામનું ફળ શરીરને હૃષ્ટપૃષ્ટ રાખે છે, અને તમે જાણ્યું તે પ્રમાણે કેટલાક જરુરી તત્વો પણ પૂરા પાડે છે. ફિંડલાનો ઉપયોગ કરતા પહેલા તે તમારા શરીર માટે કઈ રીતે વધારે ફાયદારુપ બની શકે છે તે માટે આયુર્વેદના જાણકાર વ્યક્તિ પાસે માહિતી લેવાથી તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે.
નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
તમામ તસવીરો -હેમંત ઉપાધ્યાય -અમદાવાદ
સ્થળ- ખેડબ્રહ્મા