ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

 ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

વિરલ રાઠોડ, અમદાવાદ

 

ડિજિટલ પ્લેટફોર્મ પરથી અષ્ટવિનાયકને એક અરજી

 

તહેવાર પાછળ પણ વિજ્ઞાન હોય છે. વિજ્ઞાનને સમવા માટે મેજિકને બાજુએ મૂકીને થોડું લોજીક લગાવવું પડે. અષાઢ પછી શ્રાવણ અને પછી ભારદવો. શ્રીકાર વરસાદ બાદ થોડી રાહત થાય એ પછી થોડો તડકો શરૂ થાય. આ વર્ષે ભારદવામાં અષાઢી માહોલ જોવા મળ્યો. ભારદવાનો ખૂંચતો અને ખંજવાળ ઉપડાવી દેતો તડકો મિસિંગ છે. સાર્વત્રિક વરસાદી માહોલમાં આ વર્ષે બાપા (સિદ્ધિવિનાયક)નું આગમન થવાનું છે. બાપાના આગમન પૂર્વે એક નાનકડી અરજી કરી છે. જેમાં સૌની વિનંતી છે, અપીલ છે અને એક્શન લેવા માટેની તીવ્ર રિક્વેસ્ટ છે.

 

 

કેમ છો કાર્તિકેયના અનુજ? દુંદાળા દેવ પધારો. આખરે ભારદવા મહિનાની ચોથ આવી ગઈ. ઘરમાં રિદ્ધિ-સિદ્ધિના આશીર્વાદ આપવા માટેની ઘડી નક્કી થઈ ગઈ. એકદંતજી, એક વાત કહેવી છે. તમે તો વિદ્યાના દેવ છો, અંતર્યામી છો અને કૌશલ્યપ્રધાન છો. જ્યાં બળ કામ નથી આવતું ત્યાં કળ કેમ વપરાય, આપના પાસેથી શીખવા જેવું છે. વિનાયકજી, વિધ્ન એવું છે કે, જ્યારે તમે દર વર્ષે પધારો છો એની પહેલા આ ખાંડ, દૂધ અને સાકરના ભાવ ખૂબ જ વધી જાય છે. આ કારણે તમને અર્પણ કરવામાં આવતા ભોગમાં અમારો સ્નેહભાવ તો જોડાય છે પણ આવું કેમ? આ વખતે અમારા ગામમાં ભયાનક પૂર આવ્યું એમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા. ગૌરનંદન, આ ખોટી નિંદામણ (કોઈ પણ પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ) જેવી સમસ્યાનો ઉકેલ કહેજો ને…

મૂષકના મિત્ર કલિકાળમાં દિવસ એવા જોવા પડે છે જ્યાં એક દીકરો જ એની મંદબુદ્ધિ માતાને અકાળે યમરાજાને સોંપી દે છે. આવી આત્માને લેવા માટે કદાચ યમરાજા પણ રાજી નહીં હોય. જેને પુત્ર-પુત્રી ન થતા હોય એ તમારે શરણે આવીને આશીર્વાદ લે છે. બાપા, આ સંકુચિત સમાજમાં આવા કપાતર ન પાકે એવી તને દુઃખના ભાવ સાથેની અપીલ છે. આ ધરતી પર તમે પણ કર્મ અર્થે બંધાયેલા હતા. રિદ્ધિ સિદ્ધિના સ્વામિ આ નંદનવન ગણાતી ધરતી પર, તમારા મમ્મીના અવતાર (દુર્ગા)ને સૌથી વધુ માનતી પ્રજાના પ્રદેશમાં અસુર બનીને અવતરેલા માણસનો કાયમી સંહાર થશે? તમે પણ અશોકસુંદરીના ભાઈ છો. એ ભૂમિ ઉપર પણ એક દીકરી કોઈની બહેન હતી. જે અકાળે ખોટી રીતે પીંખાઈ ગઈ. તમને બધી ખબર છે નામ આપવાની તમને જરૂર ન હોય. તમારા સુપડા જેવા કાન પાસે અઢળક વાતો આવતી હશે. માણસના નાનકડા કાન પાસે આવતી વાતોમાં ઉશ્કેરણીનો ઉકરડો ઠલવાતો બંધ થાય તો કેટલાય ઝઘડા ઓછા થઈ જાય.

 

 

બાપા, અમે તમને સીધી જ અરજી કરી શકીએ છીએ તો ભગવારંગ ધારણ કરીને બેઠેલા શેતાન રૂપી સંતોનો નીવડો લાવોને..કારણ કે, આવા ખોટા લોકોએ ભગવા પહેરી લીધા એટલે ભોળી પ્રજાએ એને ભગવાન માની લીધા છે.

 

સાદગી અને સંપૂર્ણતાનું તમે પ્રતિક છો પણ જ્યારે આ લોકોના આશ્રમ પર નજર કરીએ ત્યારે પેલેસને પણ ટક્કર મારે એવી જાહોજલાલી જોવા મળે છે. આટલી સુવિધા અને આંતરિક સુંદરતા તમારા મહેલમાં પણ નથી જોઈ. આવું થાય ત્યારે એવું લાગે બાપા કે, સનાતન ધર્મનો દાટ વાળવા માટે આ જ વંદાછાપ કુદરતના ખોટા વકીલનો હાથ હશે.

 

ધર્મને લઈને જ્યારે ખોટું થાય ત્યારે આ જ બની બેઠેલા બાબાઓ સમજૂતીના ધારા ધોરણ અને શાસ્ત્રોના પાનાઓ આગળ ધરીને મુદ્દાને ફંગોળી નાખે છે. આશ્રમ પર એક વેબ સીરિઝ પણ બનેલી છે. સાદુ જીવન જીવે એને સાધુ કહેવાય. વ્યક્તિના ત્યાગ, અડગતા અને સંયમતાની મિસાલ આપવી પડે એ સંત કહેવાય.

વિદ્યાના દેવ આપનું દિમાગ જેટલું દોડે છે એનાથી અનેકગણી ગતિથી અહીંયા માણસો દોડે છે. ખબર નહીં કઈ દિશામાં દોટ ચાલી રહી છે. તમારા સતત હલતા કાન અમને એ શીખવાડે છે કે, ઉશ્કેરણીજનક કે ખોટા મુદ્દાઓને કાનની અંદર નહીં જવા દેવાના. તમારા એક તૂટેલા દાંતથી એ શીખવા મળે છે કે, જીવનમાં કંઈક ખૂટતું હોય તો એનો શોક કરવાના બદલે એને સૌદર્યની દ્રષ્ટિથી સ્વીકારવાનું. ખામી હોવા છતાં ખુશ રહેવાનું. આમ તો ફાંદવાળા દેવ છો તમે. માણસોની ફાંદ હોય તો એ અસ્વસ્થતાનું પ્રતીક મનાય છે. રોગનું ઘર બને છે. પ્રભુ, એવું ન બની શકે કે, મીઠાઈ તમારી પ્રસાદ તરીકે ખાઈએ છતાં કોઈને ડાયાબિટીઝ ન વધે અને મિલાવટ મુક્ત વસ્તુ મળે? તમારી ફાંદ એ શીખવાડે છે કે, પેટમાં જે હોવું જોઈએ એ શુદ્ધ હોવું જોઈએ. વાત કોઈની કોઈને કોઈ દિવસ લીક ન થવી જોઈએ. તમારી લાંબી સૂંઢ અમને અમારા કેરિયરની લાઈનને, વિચારોની વેવલેન્થને, પોઝિટિવ થિકિંગને, સારપની સીરિઝને લાંબી કરતા શીખવાડે છે. તમારા નાના પગ એ સમજાવે છે કે, નાનું-મોટું કશું હોતું નથી. ક્યારેક નાના બની જવામાં ભલાઈ હોય છે. મોટપ દરેક જગ્યાએ દેખાડવાની હોતી નથી. તમારા હાથ એટલે ભલાઈ માટે ટેકો દેવો અને નફ્ફટાઈ માટે કળથી કામ લેવું. તમે સાક્ષાત મોટિવેશનની મૂર્તિ છો.

 

વેલકમ વિનાયક ગૌરીશંકર

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *