સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા!

નીરવ જોશી, ગાંધીનગર 

એક સમયે પોતાના ગીચ જંગલો અને વનસંપદા માટે જાણીતું થયેલું ગુજરાત હાલ નવી રીતે વન સંપતિને અને વનની વનરાજીને શણગારવામાં વ્યસ્ત થયું છે!! ખાસ કરીને હવે વન સંપદા ઓછા થાય છે ત્યારે કયા વૃક્ષો વાવવાથી આગામી સમયમાં નાગરિકોને ફાયદો થાય છે.. એના પર હવે ફોકસ મંડાયો છે.. આવું જ એક લોક ઉપયોગી વૃક્ષ છે કેસુડાનું ઝાડ અને આ ઝાડના ખૂબ ફાયદાઓ છે તો આવો જાણીએ તેને લગતી એક પોસ્ટ…

એકતા નગર ખાતે લીમડી રૂટની નજરે કેસૂડા ટ્રેલ !
¤ ત્રણ હજાર કેસૂડાના વૃક્ષોની બેજોડ સુંદરતા, કુદરતનું સાંનિધ્ય તમને મંત્રમુગ્ધ બનાવી દેશે !*
¤ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા!*
¤ પ્રકૃતિના ખોળામાં ટ્રેકિંગનો લ્હાવો લઈ, કેસૂડા વિશે રસપ્રદ માહિતી જાણીને આશ્ચર્યચકિત થયા દિલ્હીથી આવેલા પ્રવાસીઓ*

 

**********
કેસૂડો ! – ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સૂકાયેલા વૃક્ષો કેસૂડાના કેસરી રંગથી ચિતરાઈ જાય છે. ત્યારે કેસરિયા રંગથી છવાયેલો કેસૂડો અદ્ભુત દેખાય છે. આવા જ મનોહર દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, એકતા નગરના જંગલોમાં.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીંના વિવિધ પ્રવાસન સ્થળો ઉપરાંત જંગલમાં જોવા મળતા કેસૂડાના વૃક્ષો અંગે અસામાન્ય અને રસપ્રદ માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે એકતા નગર ખાતે કેસૂડા ટ્રેલનું આયોજન કર્યું છે. તેજસ્વી નારંગી ફૂલોના છાંટા એકતા નગરના મનોહર દૃશ્યોને વધારે છે, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આભારી છે.

એકતા નગરમાં કેસૂડાના હજારો વૃક્ષોનું જતન કરવામાં આવ્યું છે, જેને ‘જંગલની જ્યોત’ પણ કહેવાય છે. ‘કેસૂડા ટ્રેલ’ થકી પ્રવાસીઓ કેસૂડાની સુંદરતાનો લ્હાવો લઈ શકે છે. મુલાકાતીઓ આનંદદાયક ટ્રેકિંગની મજા સાથે કેસૂડા પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ માટે ૩ થી ૪ કિલોમીટરના ત્રણ ખાસ રૂટ બનાવવામાં આવ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે દેશના અલગ-અલગ ખૂણેથી આવતા પ્રવાસીઓ ઉત્સાહભેર કેસૂડા ટ્રેલ કરે છે. આ ટૂર દરમિયાન મનમોહક નજારા તેમજ ટ્રેકિંગના લ્હાવા સાથે કેસૂડા વિશે મળતી વિશેષ અને રસપ્રદ માહિતી તેમજ વન્ય સંપદાઓની અનુભૂતિથી તેઓ આશ્ચર્ય પામે છે.

નવી દિલ્હીથી એકતા નગર ખાતે આવેલા દીપાંગના કેસૂડા ટ્રેલ પૂર્ણ કર્યા બાદ પોતાના અનુભવો વર્ણવતા જણાવે છે કે, આ યાત્રા ખરેખર રોમાંચક હતી. ‘કેસૂડા ટ્રેલ’ થકી કેસૂડાની સુંદરતાનો આનંદ માણી તે જણાવે છે કે, તેજસ્વી નારંગી ફૂલો એકતા નગરના મનોહર દ્રશ્યને વધારે છે. એકતા નગર ખાતે કેસૂડાના હજારો વૃક્ષો ખરેખર ‘જંગલની જ્યોત’ જ છે. ગાઈડ થકી કેસૂડાના ઔષધીય ગુણો જાણી આશ્ચર્યચકિત થઈને તે જણાવે છે કે, આ જાણકારી ખરેખર અદ્ભૂત અને રોમાચંક છે. અહીં કેસૂડાની સુગંધ અને કુદરતી સ્ત્રોતનો ખજાનો છે, તેવું જણાવી તે પ્રકૃતિના સૌંદર્યનો ભરપૂર લ્હાવો મણવાની ખુશી વ્યક્ત કરે છે.

વિશેષ રૂપથી ‘કેસૂડા ટ્રેલ’ માટે દિલ્હીથી એકતા નગર આવેલા સ્મૃતિ સિંહા જણાવે છે કે, સૌથી પહેલા તો હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે, એકતા નગરની આ અદ્વિતિય સુંદરતા તેમના વિઝનને આભારી છે. તેમણે કેસૂડા ટ્રેલના ટ્રેકિંગને લાજવાબ ગણાવી, આનંદ સાથે રસપ્રદ માહિતી મળી હોવાનું જણાવ્યું હતું. સ્મૃતિ જણાવે છે કે, અહીં મનોહર દ્રશ્યો છે, કુદરતના સાંનિધ્યમાં પરમ શાંતિની અનુભૂતિ છે તેમજ જ્ઞાનવર્ધક અને આનંદદાયક ટ્રેક છે. તેમણે અન્ય લોકોને પણ કેસૂડાની સામાન્ય માહિતીથી ઉપર થઈને અહીં વિશેષ દ્રશ્યો અને રસપ્રદ માહિતી લેવા માટે અચૂક મુલાકાત લેવા અનુરોધ કર્યો.

હવે જો આ ત્રણ ખાસ રૂટ પૈકી લીમડી રૂટની વાત કરીએ તો, અંદાજે ૨ થી ૩ કિલોમીટરના આ રૂટમાં કેસૂડાના ત્રણ હજાર ઉપરાંત વૃક્ષો જંગલની શોભા વધારે છે. આ રૂટ પર આવતા પ્રવાસીઓ કેસૂડાની નયનરમ્ય સુંદરતા માણી મંત્રમુગ્ધ બની જાય છે.

લીમડી રૂટમાં વિશેષ તાલીમ પામેલ ટૂર ગાઈડ તડવી રીટા અને તડવી શકુબેન પ્રવાસીઓને કેસૂડાની એ ટુ ઝેડ માહિતી આપવાની સાથે જંગલમાં અન્ય વૃક્ષો અને વનસ્પતિઓના ઔષધીય ગુણોથી વાકેફ કરે છે. વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કેસૂડા અને અહીંની વન્ય સંપદા વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી સમજાય તે માટે આ બંને ટૂર ગાઈડ ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ સમજણ પૂરી પાડે છે.

એકતા નગર ખાતે તા. ૭ માર્ચથી શરૂ થયેલી આ કેસૂડા ટ્રેલ આગામી તા. ૧૫ એપ્રિલ સુધી ચાલશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, આ કેસૂડા ટ્રેલનો ભરપૂર આનંદ લેવાનું બિલકુલ ના ચૂકતા. અને હા ધ્યાન રાખજો, આ રોમાંચક ટૂર માટે અગાઉથી બુકિંગ જરૂરી છે, હોં !. બસ, www.soutickets.in વેબસાઈટ પર બુકિંગ કરાવો, અને કેસૂડા ટ્રેલની મજા માણો.
******

(માહિતી સૌજન્ય : દિલીપ ગજ્જર, ગાંધીનગર)

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *