જાણો, વડાપ્રધાન મોદીના સ્વાતંત્રદિને કરેલા ઉદબોધન-ભાષણ કેટલા કરોડ લોકોએ લાઈવ જોયું?

 જાણો, વડાપ્રધાન મોદીના સ્વાતંત્રદિને કરેલા ઉદબોધન-ભાષણ કેટલા કરોડ લોકોએ લાઈવ જોયું?

સંકલન:  નિરવ જોશી, અમદાવાદ (M-7838880134)

15 મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની મહત્વપૂર્ણ જગ્યાએથી દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રવાસીઓને આશરે 83 મિનિટનું સંબોધન કર્યું હતું …જેના અનેક મુદ્દાઓ અંગે છેલ્લા બે દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે…. એટલું જ નહીં વડાપ્રધાન મોદીનું આ ભાષણ અનેક રીતે મૂંઝવણમાં મુકાયેલા દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. એમાં આવનાર સમયની સરકારની રીત નહીં પણ વિચાર અને નીતિઓની દિશા નક્કી થઈ રહી છે …

એક પ્રાઇવેટ ચેનલના અનુસાર નરેન્દ્ર મોદીના 15 મી ઓગસ્ટના ભાષણને બે કરોડ લોકોએ લાઈવ જોયું હતું જ્યારે એમનું ધ્વજવંદન નો વિડીયો 40 લાખ લોકોએ જોયું હતું.

 

આવો જાણીએ  મોદીએ કરેલા સંબોધનના મહત્વના મુદ્દા…

અને સમગ્ર ભાષણની પીએમ મોદીના મુખેથી વંચાયેલી સ્ક્રિપ્ટ…..

76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની દિવાલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની મુખ્ય બાબતો
**********
1. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અનેક શુભકામનાઓ.
2. હું વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો, ભારતના પ્રેમીઓને આ અમૃત મહોત્સવની ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.
3. આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે છેલ્લાં 75 વર્ષમાં દેશ માટે જીવન સમર્પિત કરનાર, કુરબાનીઓ આપનાર, દેશની સુરક્ષા કરનાર, દેશના સંકલ્પનો પૂર્ણ કરનાર તમામ લોકોના યાદ કરવાનો પ્રસંગ છે.
4. 75 વર્ષની આપણી આ સફર અનેક ઉતાર-ચઢાવથી ભરેલી છે. સુખદુઃખ આવતા રહ્યાં છે અને આ દરમિયાન પણ આપણા દેશવાસીઓએ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, પુરુષાર્થ કર્યો છે, હાર માની નથી, સંકલ્પોની શક્તિ જરાં પણ ઓછી થઈ નથી.
5. ભારતની વિવિધતા જ ભારતની અમૂલ્ય શક્તિ છે. શક્તિનું અતૂટ પ્રમાણ છે. દુનિયાને ખબર નહોતી કે, ભારતની પાસે એક સ્વાભાવિક સામર્થ્ય છે, સંસ્કારની એક સરિતા છે અને એ છે – ભારત લોકતંત્રની જનની છે, Mother of Democracy છે.
6. વર્ષ 2014માં દેશવાસીઓએ મને જવાબદારી સુપરત કરી હતી. આઝાદી પછી જન્મ થયેલી હું પ્રથમ વ્યક્તિ હતી, જેને લાલ કિલ્લા પરથી દેશવાસીઓનું ગૌરવગાન કરવાની તક મળી હતી.
7. મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું – છેવાડાના માનવી સુધી પહોંચવું, તેમની ચિંતા કરવી. મહાત્મા ગાંધીજીની આકાંક્ષા હતી – દરિદ્રનારાયણને સમર્થન બનાવવા. મેં મારી જાતને તેમના આ સ્વપ્નોને સાકાર કરવા માટે સમર્પિત કરી છે.
8. અમૃતકાળની પ્રથમ સવાર આકાંક્ષી સમાજની આકાંક્ષા પૂરાં કરવાની સોનેરી તક આપે છે. આપણા દેશની અંદર કેટલું મોટું સામર્થ્ય છે એ એક તિરંગા ઝંડાએ પુરવાર કરી દેખાડ્યું છે. વિશ્વના દરેક ખૂણામાં આપણો તિરંગો આન-બાન-શાનથી લહેરાઈ રહ્યો છે.
9. સરકારને પણ સમય સાથે દોડવું પડે છે અને મને વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય કે કોઈ પણ પ્રકારની શાસન વ્યવસ્થા કેમ ન હોય – દરેકને આ આકાંક્ષી સમાજની આકાંક્ષાને પૂરી કરવી પડશે, તેમની આકાંક્ષાઓ પૂરી કરવા આપણે વધારે રાહ નહીં જોવી પડે.
10. આપણે છેલ્લાં થોડાં દિવસોમાં આ તાકાતનો અનુભવ કર્યો છે અને એ છે – ભારતમાં સામૂહિક ચેતનાનું નવજાગરણ. આઝાદના આટલા સંઘર્ષમાં જે અમૃત હતું, તે હવે એકત્ર થઈ રહ્યું છે, સંકલિત થઈ રહ્યું છે.
11. દુનિયાએ કોરાનાના સમયગાળામાં રસી લેવી કે ન લેવી, રસી અસરકારક છે કે નહીં, એ વિમાસમણમાં જીવી રહી હતી. તે સમયે મારા ગરીબ દેશ 200 કરોડ ડોઝનો લક્ષ્યાંક પાર પાડીને દુનિયાને ચોંકાવી દે એવું કામ કરી દેખાડ્યું છે.
12. વિશ્વ ભારત તરફ ગર્વ સાથે જોઈ રહ્યું છે. એક અપેક્ષા સાથે તાકી રહ્યું છે. સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર દુનિયા શોધવા લાગી છે. વિશ્વના અભિગમમાં આ પરિવર્તન, વિશ્વના વિચારમાં આ ફેરફાર 75 વર્ષની આપણી અનુભવની સફરનું પરિણામ છે.
13. જ્યારે રાજકીય સ્થિરતા હોય, નીતિઓમાં ગતિશીલતા હોય, નિર્ણયો ઝડપથી લેવાતા હોય, ત્યારે વિકાસ માટે દરેક ભાગીદાર બને છે. આપણે સબ કા સાથ, સબ કા વિકાસનો મંત્ર લઈને સફર શરૂ કરી હતી, પણ હવે જોતજોતામાં દેશવાસીઓએ સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસથી તેમાં રંગ ભરી દીધો છે, નવી રોનક લાવી દીધી છે.
14. મને લાગે છે કે, આગામી 25 વર્ષ માટે આપણે પંચપ્રણ પર આપણી શક્તિ કેન્દ્રિત કરવી પડશે. જ્યારે હું પંચપ્રણની વાત કરું છું, ત્યારે પ્રથમ પ્રણ કે સંકલ્પ છે – હવે દેશ મોટો સંકલ્પ લઈને આગેકૂચ કરશે. બીજું પ્રણ કે સંકલ્પ છે – આપણે આપણી અંદર, આપણી ટેવોની અંદર ગુલામીનો કોઈ અંશ રહેવા નહીં દઈએ. ત્રીજું પ્રણ કે સંકલ્પ છે – આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. ચોથું પ્રણ કે સંકલ્પ છે – એકતા અને એકજૂથતા. અને પાંચમું પ્રણ કે સંકલ્પ છે – નાગરિકોની ફરજ, જેમાં પ્રધાનમંત્રી પણ બાકાત નહીં હોય, મુખ્યમંત્રીઓ પણ બાકાત નહીં હોય.
15. મહાસંકલ્પ, મારો દેશ વિકસિત દેશ બનશે, developed country હશે, વિકાસના દરેક માપદંડમાં આપણે માનવકેન્દ્રિત વ્યવસ્થાને વિકસિત કરીશું, આપણા કેન્દ્રમાં મનુષ્ય હશે, આપણા કેન્દ્રના મનુષ્યની આશા-આકાંક્ષાઓ હશે. આપણે જાણીએ છીએ કે, જ્યારે ભારત મોટો સંકલ્પ લે છે, ત્યારે એને પાર પાડીને પણ દેખાડે છે.
16. જ્યારે મેં અહીં સ્વચ્છતાની વાત કરી હતી, ત્યારે મારા પ્રથમ ભાષણને દેશવાસીઓએ ઝીલી લીધું હતું. દરેક વ્યક્તિએ જ્યાં શક્ય હોય ત્યાં સ્વચ્છતા તરફ આગેકૂચ કરી હતી અને ગંદકી પ્રત્યે નફરત એક સ્વાભાવ બનતો ગયો છે.
17. જ્યારે આપણે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો, ત્યારે આ લક્ષ્યાંક બહુ મોટો લાગતો હતો. અગાઉની કામગીરી બયાન કરતી હતી કે, આ શક્ય નથી, પણ સમય અગાઉ આપણે 10 ટકા ઇથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ કરીને દેશને આ સ્વપ્નને સાકાર કરી દીધું હતું.
18. અઢી કરોડ લોકોને આટલા ઓછા સમયમાં વીજળીનું જોડાણ પહોંચાડવું કોઈ નાનીસૂની કામગીરી નહોતી – પણ દેશએ ભગીરથ પ્રયાસ કરીને આ લક્ષ્યાંક પર પાડી દીધો છે.
19. શું આપણે આપણા માપદંડો નહીં સ્થાપિત કરીએ? શું 130 કરોડનો દેશ પોતાના માપદંડોને પાર પાડવા પુરુષાર્થ નથી કરી શકતો? આપણે કોઈ પણ સ્થિતિમાં બીજા જેવા દેખાવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. આપણે જેવા છીએ, આપણી પાસે જે સામર્થ્ય છે, એ જ સામર્થ્ય સાથે કામ કરીશું – આ જ આપણો મિજાજ હોવો જોઈએ.
20. જે રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની છે, જે મનોમંથન સાથે બની છે અને ભારતની ધરતી સાથે, મૂળભૂત સ્થિતિસંજોગો સાથે જોડાયેલી શિક્ષણ નીતિ બની છે, એનું સત્વ, એનો આત્મા આપણી ધરતી સાથે સંબંધિત છે. આપણને જે કૌશલ્યનું બળ મળ્યું છે, એ એક એવું સામર્થ્ય છે, જે આપણને ગુલામીમાંથી મુક્તિ મેળવવાની તાકાત આપશે.
21. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ. આપણે ભાષા આવડતી હોય કે ન આવડતી હોય, પણ મારા દેશની ભાષા છે, મારા પૂર્વજોની ભાષા છે, તેમણે દુનિયાને આ ભાષા આપી છે એટલે આપણને એના પર ગર્વ હોવો જોઈએ.
22. આજે દુનિયા સર્વાંગી આરોગ્ય સુવિધા કે સારસંભાળની ચર્ચા કરી રહી છે, પણ જ્યારે સર્વાંગી સ્વાસ્થ્ય સુવિધા કે સારવારની ચર્ચા થયા છે, ત્યારે તેની નજર ભારતના યોગ પર પડે છે, ભારતના આયુર્વેદ પર જાય છે, ભારતની સર્વાંગી સંપૂર્ણ જીવનશૈલી પર જાય છે. આ આપણો વારસો આપણે દુનિયાને ભેટ ધર્યો છે.
23. આજે વિશ્વ પર્યાવરણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓના સમાધાનનો માર્ગ આપણી પાસે છે. આ માટે આપણી પાસે જે વારસો છે, એ આપણા પૂર્વજોએ જ આપણને આપ્યો છે.
24. અત્યારે આપણાં પારિવારિક મૂલ્યો, વિશ્વના સામાજિક તણાવની ચર્ચા થઈ રહી છે. વ્યક્તિતવ તણાવની ચર્ચા થાય છે, તો લોકો યોગ તરફ જુએ છે. સામૂહિક તણાવની વાત આવે છે, તો ભારતની પારિવારિક વ્યવસ્થા તરફ જુએ છે.
25. આપણે એ લોકોએ છીએ, જે જીવમાં શિવને જોઈએ છીએ, આપણે એ લોકો છીએ, જે નરમાં નારાયણના દર્શન કરીએ છીએ, આપણે એ લોકો છીએ, જે નારીને નારાયણી કહીએ છીએ, આપણે એ લોકો છીએ, જે વૃક્ષમાં પરમાત્માને જોઈએ છીએ, આપણે એ લોકો છીએ, જે નદીને માતા માનીએ છીએ, આપણે એ લોકો છીએ, જે દરેક કંકરમાં શંકરને જોઈએ છીએ.
26. જનકલ્યાણથી જગકલ્યાણના માર્ગે ચાલનારા આપણે લોકો જ્યારે દુનિયા માટે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે કહીએ છીએ – સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ.
27. એક અન્ય મહત્વપૂર્ણ વિષય છે – એકતા, અખંડિતતા. આટલા માટે દેશની વિવિધતાને આપણે ઉજવવી જોઈએ, આટલા પંથ અને પરંપરાઓ આપણી આન-બાન-શાન છે. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચું નથી, બધા બરોબર છે, બધા સમાન છે. કોઈ મારું નથી, કોઈ પારકું નથી, બધા આપણા છે.
28. જો બેટા-બેટી એકસમાન નહીં હોય, તો એકતાનો મંત્ર આપણે આપણા જીવનમાં વણી નહીં શકીએ. જાતિગત સમાનતા કે લિંગ સમાનતા આપણી એકતાની પ્રથમ શરત છે.
29. જ્યારે આપણે એકતાની વાત કરીએ છીએ, જો આપણે ત્યાં એક જ માપદંડ હોય, એક જ ધારાધોરણ હોય, જે માપદંડને આપણે ઇન્ડિયા ફર્સ્ટ – ભારત સર્વોપરી કહીએ, તો હું જે કંઈ પણ કરી રહ્યો છું, જે પણ વિચારું, જે પણું બોલું તે ઇન્ડિયા ફર્સ્ટને અનુકૂળ છે અને હોવું જોઈએ.
30. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજિંદા જીવનમાં મહિલાઓને અપમાનિત કરતી, તેની ગરિમાનો ભંગ કરતી વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ. નારીશક્તિનું ગૌરવ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવામાં બહુ મોટી મૂડી બનવાનું છે. આ સામર્થ્ય હું જોઈ રહ્યું છે અને એટલે જ હું આ વાતનો આગ્રહ રાખું છું.
31. આપણે ફરજ પર ભાર મૂકવો જ પડશે. પોલીસ હોય કે નાગરિક હોય, શાસક હોય કે નોકરિયાત હોય – નાગરિક ફરજોથી કોઈ અછૂત ન રહી શકે. જો દરેક નાગરિક ફરજોને અદા કરશે, તો મને વિશ્વાસ છે કે, આપણે ઇચ્છિત લક્ષ્યાંકને પાર પાડવામાં સમય અગાઉ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ.
32. આત્મનિર્ભર ભારત, આ દરેક નાગરિકની, દરેક સરકારની, સમાજના દરેક અંગની જવાબદારી બની જાય છે. આ આત્મનિર્ભર ભારત કોઈ સરકારી એજન્ડા, સરકારી કાર્યક્રમ નથી. આ સમાજનું જન આંદોલન છે, જેને આપણે આગળ વધારવાનું છે.
33. તમે જુઓ, પીએલઆઈ યોજના, એક લાખ કરોડ રૂપિયા, દુનિયાના લોકો હિંદુસ્તાનમાં પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યાં છે. ટેકનોલોજી લઈને આવી રહ્યાં છે. રોજગારીની નવી તકોનું સર્જન કરી રહ્યાં છે. ભારત ઉત્પાદનનું કેન્દ્ર બની રહ્યું છે.
34. આઝાદીના 75 વર્ષ પછી જે અવાજને સાંભળવા માટે આપણા કાન આતુર હતા, 75 વર્ષ પછી એ અવાજ સંભળાઈ રહ્યો છે. 75 વર્ષ પછી લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવા પહેલી વાર ભારતમાં બનેલી મેડ ઇન ઇન્ડિયા તોપે આપી છે. કયો એવો હિંદુસ્તાની હશે, જેને આ અવાજ નવી પ્રેરણા, નવી તાકાત નહીં આપે.
35. દેશની સેનાના જવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપવા ઇચ્છું છું. મારી આત્મનિર્ભરતાની વાતને સંગઠિત સ્વરૂપમાં, સાહસ સ્વરૂપે મારી સેનાના જવાનોએ સેનાનાયકોએ જે જવાબદારી સાથે તેમના ખભા પર ઉઠાવી લીધી છે, એ જોઈને જેટલી સલામી આપું એટલી ઓછી છે.
36. આપણે આત્મનિર્ભ બનવાનું છે – ઊર્જા ક્ષેત્રમાં. સૌર ક્ષેત્ર હોય, પવન ઊર્જાનું ક્ષેત્ર હોય, અક્ષય ઊર્જાનું ક્ષેત્ર હોય કે પછી કોઈ પણ માર્ગ હોય, મિશન હાઇડ્રોજન હોય, જૈવઇંધણનો પ્રયાસ હોય, ઇલેક્ટ્રિક વાહન અપનાવવાની વાત હોય, આપણે આત્મનિર્ભર બનીને આ વ્યવસ્થાઓને આગળ વધારવી પડશે.
37. હું ખાનગી ક્ષેત્રને પણ અપીલ કરી છું…આવો…આપણે વિશ્વમાં છવાઈ જવાનું છે. આત્મનિર્ભર ભારતનું આ સ્વપ્ન છે કે, દુનિયાની જે પણ જરૂરિયાતો છે તેને પૂર્ણ કરવામાં ભારત પાછળ નહીં રહે. આપણા લઘુ ઉદ્યોગ હોય, સૂક્ષ્મ ઉદ્યોગ હોય, કુટિર ઉદ્યોગ હોય, ઝીરો ખામીયુક્ત, ઝીરો ખામીયુક્ત ઉત્પાદનો પૂરાં પાડીને આપણે દુનિયા સુધી પહોંચવાનું છે. આપણે સ્વદેશી પર ગર્વ કરવો પડશે.
38. આપણો પ્રયાસ છે કે, દેશના યુવાનોને અસીમ અંતરિક્ષથી લઈને દરિયાની ઊંડાઈ સુધી સંશોધન માટે ભરપૂર મદદ મળે. એટલે આપણે સ્પેસ મિશનને, ડીપ ઓશન મિશનને વધાર્યું છે. અંતરિક્ષ અને દરિયાની અગાધ ઊંડાઈમાં જ આપણા ભવિષ્ય માટે જરૂરી સમાધાનો છે.
39. આપણે વારંવાર લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરીએ છીએ. તેમણે જય જવાન, જય કિસાનનો મંત્ર આપ્યો હતો, જે આજે પણ દેશ માટે પ્રેરણાદાયક છે. પછી અટલબિહારી વાજપેયીએ જય વિજ્ઞાન કરીને તેમાં એક કડી જોડી દીધી હતી અને દેશે તેને પ્રાથમિકતા આપી હતી. પણ હવે અમૃતકાળ માટે એક વધુ જરૂરિયાત છે અને આ જરૂરિયાત છે – જય અનુસંધાનની. જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન-જય અનુસંધાન-ઇનોવેશન.
40. ઇનોવેશનની તાકાત જુઓ. આજે આપણી યુપીઆઈ-ભીમ, આપણી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હોય, ફિનટેકની દુનિયામાં આપણું સ્થાન, આજે વિશ્વમાં રિયલ ટાઇમ 40 ટકા ડિજિટલ માધ્યમ થકી નાણાકીય વ્યવહારો મારા દેશમાં થઈ રહ્યાં છે, હિંદુસ્તાને આ કરીને દેખાડ્યું છે.
41. આજે મને ખુશી છે કે, હિંદુસ્તાનના ચાર લાખ કોમન સર્વિસ સેન્ટર્સ ગામડાઓમાં વિકસિત થઈ રહ્યાં છે. ગામના યુવાનો, દીકરા-દીકરીઓ કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહ્યાં છે.
42. આ જે ડિજિટલ ઇન્ડિયાનું અભિયાન છે, જે સેમિકંડક્ટર તરફ આપણે જે પગલાં લઈ રહ્યાં છીએ, 5જી તરફ અગ્રેસર થઈ રહ્યાં છીએ, ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક પાથરી રહ્યાં છીએ, આ ફક્ત આધુનિકતાની ઓળખ છે એવું નથી. ત્રણ મોટી તાકાતો તેની અંદર સમાયેલી છે. શિક્ષણમાં ધડમૂળથી પરિવર્તન આ ડિજિટલ માધ્યમથી આવવાનું છે. સ્વાસ્થ્ય સેવાઓમાં મૂળભૂત ક્રાંતિ ડિજિટલ માધ્યમથી આવવાની છે. કોઈ પણ જીવનમાં બહુ મોટો ફેરફાર ડિજિટલ માધ્યમથી થવાનો છે.
43. આપણું અટલ ઇનોવેશન મિશન, આપણા ઇન્ક્યુબેશન સેન્ટર, આપણા સ્ટાર્ટઅપ એક નવા, સંપૂર્ણ ક્ષેત્રનો વિકાસ કરી રહ્યું છે, યુવા પેઢી માટે નવી તકો લઈને આવી રહ્યું છે.
44. આપણા નાનાં ખેડૂતો – તેમનું સામર્થ્ય, આપણા નાનાં ઉદ્યોગસાહસિકો – તેમનું સામર્થ્ય, આપણા લઘુ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, સૂક્ષ્મ ઉદ્યોગ, લારી-રેકડી ફેરવતા લોકો, ઘરોમાં કામ કરતાં લોકો, ઓટો રિક્ષા ચલાવતા લોકો, બસ સેવાઓ આપતા લોકો – આ સમાજનો જે બહુ મોટો વર્ગ છે, તેમને સક્ષમ બનાવવામાં ભારતના સશક્તીકરણની ગેરન્ટી કે ચાવી રહેલી છે.
45. નારી શક્તિઃ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં જુઓ – રમતગમતનું મેદાન હોય કે યુદ્ધની ભૂમિ હોય – ભારતની નારીશક્તિ એક નવા સામર્થ્ય, નવા વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. તેમનું ભારતની 75 વર્ષની સફરમાં જે પ્રદાન રહ્યું છે, તેમાં હું હવે અનેકગણું યોગદાન આગામી 25 વર્ષમાં જોઈ રહ્યો છું.

46. ભારતના બંધારણના ઘડવૈયાઓનો પણ આભાર પ્રકટ કરવા ઇચ્છું છું કે તેમણે આપણને સંઘવાદી માળખું આપ્યું છે. હાલ સમયની માગ છે કે આપણે સહકારી સંઘવાદની સાથે સાથે સહકારી સ્પર્ધાત્મક સંઘવાદની જરૂરમાં માનીએ, આપણે વિકાસ કરવા માટે તંદુરસ્ત સ્પર્ધા કરીએ, તેની જરૂર છે.

47. દેશની સામે બે મોટા પડકારો છે – પહેલો પડકાર છે – ભ્રષ્ટાચાર અને બીજો પડકાર છે – ભાઈભત્રીજાવાદ, પરિવારવાદ.

48. ભ્રષ્ટાચાર દેશને ઉધઈની જેમ કોતરી રહ્યો છે, તેની સામે દેશને લડવું પડશે. અમારો પ્રયાસ છે કે, જેમણે દેશને લૂંટ્યો છે, તેમને પરત ફરવું જ પડશે. અમે આ દિશામાં પ્રયાસરત છીએ.
49. જ્યારે હું ભાઇ-ભતીજાવાદ અને પરિવારવાદની વાત કરું છું, ત્યારે લોકોને લાગે છે કે, હું ફક્ત રાજનીતિની વાત કરી રહ્યો છું. એવું નથી. કમનસીબે રાજકીય ક્ષેત્રની આ ગંદકી હિંદુસ્તાનની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષણ આપે છે, તેને આગળ વધારી રહી છે.

50. મારા દેશના નવયુવાનો હું તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, તમારા સ્વપ્નોને સાકાર કરવા માટે હું ભાઇભતીજાવાદ સામે લડાઈમાં તમારો સાથસહકાર મેળવવા ઇચ્છું છું.

51. આ અમૃતકાળમાં આપણે આગામી 25 વર્ષમાં, એક ક્ષણ પણ એ ભૂલવું ન જોઈએ. એક-એક દિન, સમયની દરેક ક્ષણ, જીવનની દરેક કણ, માતૃભૂમિ માટે જીવવું અને એ જ આઝાદીના લડવૈયાઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.

52. જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ, હવે અમૃતકાળની દિશામાં બદલાઈ ગયો છે, આગળ વધી ગયો છે, ત્યારે આ અમૃતકાળ દરમિયાન તમામનો પ્રયાસ અનિવાર્ય છે. ટીમ ઇન્ડિયાની ભાવના જ દેશને આગળ વધારવામાં મદદરૂપ થશે, દેશને અગ્રેસર કરશે. 130 કરોડ દેશવાસીઓની આ ટીમ ઇન્ડિયા સ્વરૂપે આગળ વધીને તમામ સ્વપ્નોને સાકાર કરશે.,

આ જ વિશ્વાસ સાથે મારી સાથે બોલો

53. જય હિંદ.

 

 

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણને અદ્ભુત ગણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણને અદ્ભુત ગણાવતા કહ્યું હતું કે તે દરેક ભારતીયને સુવર્ણ ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે

મોદીજીએ દરેક ભારતીયને દેશની સમૃદ્ધિ માટે દૃઢ નિશ્ચય સાથે કામ કરવા અને વિકાસને અવરોધતા પડકારો સામે એક થઈને લડવાનું આહ્વાન કર્યું.

આઝાદીના અમૃત કાળ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશવાસીઓને લાલ કિલ્લા પરથી ભારતના વિકાસ, દરેક ગુલામીમાંથી મુક્તિ, વારસામાં ગૌરવ, એકતા અને એકતા અને નાગરિકોની ફરજ માટે 5 પ્રતિજ્ઞાઓ લેવા આહ્વાન કર્યું હતું.
આવો આપણે સૌ આવતા 25 વર્ષ સુધી સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનું ભારત બનાવવામાં યોગદાન આપીએ.

મહિલા સશક્તીકરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી માતૃશક્તિ છે જે આગામી 25 વર્ષમાં રાષ્ટ્રના ગૌરવને નવી ઊંચાઈએ લઈ જશે.
આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પ અને રાષ્ટ્ર-પ્રથમની ભાવનાથી ભરેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રેરણાદાયી ભાષણ દરેક ભારતીયે સાંભળવું જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશવાસીઓને લાલ કિલ્લા પરથી ભારતના વિકાસ, ગુલામીના દરેક અંશમાંથી આઝાદી, વારસામાં ગૌરવ, એકતા અને અખંડિતતા અને નાગરિકોના કર્તવ્ય માટે 5 પ્રતિજ્ઞાઓ લેવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે બધાએ આગામી 25 વર્ષ સુધી સ્વતંત્રતા સેનાનીઓના સપનાનું ભારત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મહિલા સશક્તીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણી માતૃશક્તિ જ છે જે આગામી 25 વર્ષમાં રાષ્ટ્રના ગૌરવને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તેથી, ચાલો આપણે સ્ત્રીઓને અપમાનની દરેક વિકૃતિમાંથી મુક્ત કરીને તેમના સન્માનની રક્ષા કરવાનો સંકલ્પ લઈએ.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે દરેક ભારતીયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું આ પ્રેરણાદાયી ભાષણ સાંભળવું જોઈએ, જે આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી ભરેલું છે.

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

નવી દિલ્હી, તા.15-08-2022

દેશવાસીઓને આઝાદીનાં 75 વર્ષ પૂરા થવા પર અનેક-અનેક શુભકામનાઓ. ખૂબ ખૂબ અભિનંદન. હિંદુસ્તાનના દરેક ખૂણામાં જ નહીં, પરંતુ આજે વિશ્વના દરેક ખૂણામાં આપણો ત્રિરંગો, કોઈને કોઈ રૂપમાં, ભારતવાસીઓ દ્વારા અથવા ભારત પ્રત્યે અપાર પ્રેમ છે, તેઓ દ્વારા આન-બાન-શાનથી લહેરાઇ રહ્યો છે. આઝાદીના આ અમૃત મહોત્સવ પર સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

આજનો દિવસ ઐતિહાસિક છે. એક પૂણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવાં સામર્થ્ય સાથે આગળ વધવાનો આ શુભ અવસર છે. આઝાદીની લડાઈમાં ગુલામીનો આખો કાળખંડ સંઘર્ષમાં જ વીત્યો છે. હિંદુસ્તાનનો કોઈ ખૂણો એવો ન હતો, એવો કોઈ સમય નહોતો કે જ્યારે સેંકડો વર્ષો સુધી દેશવાસીઓ ગુલામી સામે લડ્યા ન હોય. જીવન ન ખપાવી દીધું હોય, યાતનાઓ સહન ન કરી હોય, બલિદાન ન આપ્યું હોય. આજે આપણે સૌ દેશવાસીઓ માટે આવા દરેક મહાપુરુષને, દરેક ત્યાગીને, બલિદાન આપનાર દરેકને નમન કરવાનો અવસર છે. તેમનો ઋણ સ્વીકાર કરવાનો અવસર છે અને તેમનું સ્મરણ કરતા કરતા તેમનાં સપનાને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લેવાનો પણ અવસર છે. આપણે સૌ દેશવાસીઓ કૃતજ્ઞ છીએ, પૂજ્ય બાપુનાં, નેતાજી સુભાષચંદ્ર બોઝનાં, બાબા સાહેબ આંબેડકરનાં, વીર સાવરકરનાં, જેમણે કર્તવ્યપથ પર જીવન હોમી દીધું. ફરજનો માર્ગ જ તેમનો જીવનમાર્ગ રહ્યો. આ દેશ કૃતજ્ઞ છે, મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લાહ ખાન, રામપ્રસાદ બિસ્મિલ એવા અસંખ્ય ક્રાંતિ વીરોએ અંગ્રેજ શાસનનો પાયો હચમચાવી નાખ્યો હતો. આ રાષ્ટ્ર કૃતજ્ઞ છે એ વીરાંગનાઓ માટે, રાણી લક્ષ્મીબાઈ હોય, ઝલકારી બાઈ, દુર્ગાભાભી, રાણી ગાઈદિન્લ્યુ, રાણી ચેનમ્મા, બેગમ હઝરત મહેલ, વેલુ નાચિયાર, ભારતની નારી શક્તિ શું હોય છે.

ભારતની નારી શક્તિનો સંકલ્પ શું હોય છે. ભારતની નારી ત્યાગ અને બલિદાનની શું પરાકાષ્ઠા કરી શકે છે, એવી અગણિત વીરાંગનાઓનું સ્મરણ કરતાં કરતાં દરેક હિંદુસ્તાની ગર્વથી ભરેલો છે. આજે આઝાદીની લડાઇ પણ લડનારા અને આઝાદી બાદ દેશ બનાવનારા ડો.રાજેન્દ્ર પ્રસાદજી હોય, નહેરૂજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામાપ્રસાદ મુખર્જી, લાલબહાદુર શાસ્ત્રી, દીનદયાળ ઉપાધ્યાય, જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, આચાર્ય વિનોબા ભાવે, નાનાજી દેશમુખ, સુબ્રહ્મણ્યમભારતી, અગણિત એવા મહાપુરુષોને આજે નમન કરવાનો અવસર છે.

જ્યારે આપણે સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ છીએ, ત્યારે આપણે તે જંગલોમાં રહેતા આપણા આદિવાસી સમાજનું ગૌરવ લેવાનું ભૂલી શકતા નથી. ભગવાન બિરસા મુંડા, સિદ્ધુ કાન્હુ, અલ્લુરી સીતારામ રાજુ, ગોવિંદ ગુરુ, એવાં અસંખ્ય નામો છે જેઓ આઝાદીની ચળવળનો અવાજ બનીને છેવાડાના જંગલોમાં પણ ….મારાં આદિવાસી ભાઈઓ અને બહેનો, મારી માતાઓ, મારા યુવકોમાં માતૃભૂમિ માટે જીવવા-મરવાની પ્રેરણા જગાવી. દેશનું એ સૌભાગ્ય રહ્યું છે કે સ્વતંત્રતા સંગ્રામનાં અનેક સ્વરૂપો રહ્યાં છે અને એમાં એક સ્વરૂપ એ પણ હતું જેમાં નારાયણ ગુરુ હોય, સ્વામી વિવેકાનંદ હોય, મહર્ષિ અરવિંદો હોય, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર હોય, આવા અનેક મહાપુરુષો ભારતના ખૂણે ખૂણે. દરેક ગામડામાં ભારતની ચેતનાને જગાવતા રહ્યા. ભારતને ચેતનમન બનાવતા રહ્યા.
અમૃત મહોત્સવ દરમિયાન દેશે… આખાં એક વર્ષથી આપણે જોઇ રહ્યા છીએ. 2021માં દાંડી યાત્રાથી શરૂઆત થઈ હતી. સ્મૃતિ દિવસને સાચવતા, હિંદુસ્તાનના દરેક જિલ્લામાં, દરેક ખૂણે, દેશવાસીઓએ સ્વતંત્રતાના અમૃત પર્વ માટે લક્ષ્ય-વૃદ્ધિ કાર્યક્રમો કર્યાં. કદાચ ઈતિહાસમાં એક જ હેતુનો આટલો વિશાળ, વ્યાપક, લાંબો ઉત્સવ ઉજવવામાં આવ્યો હોય એ કદાચ આ પહેલી ઘટના બની છે અને ભારતના દરેક ખૂણે એવા તમામ મહાપુરુષોને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમને ઈતિહાસમાં કોઈ એક કારણસર સ્થાન મળ્યું હોય અથવા ભૂલાવી દેવામાં આવ્યા હતા. આજે દેશે શોધી શોધીને દરેક ખૂણામાં આવા વીરોને, મહાપુરુષોને, ત્યાગીઓને, બલિદાનીઓને, સત્યાવીરોને યાદ કર્યા, નમન કર્યાં. અમૃત મહોત્સવ દરમ્યાન આ તમામ મહાપુરુષોને નમન કરવાનો અવસર રહ્યો. ગઈ કાલે 14 ઑગસ્ટના રોજ ભારતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પણ ભારે મનથી દિલના ઊંડા ઘાને યાદ કરીને એ કોટિ કોટિ જનોએ ઘણું બધું સહન કર્યું હતું, તિરંગાની શાન માટે સહન કર્યું હતું. માતૃભૂમિની માટી પ્રત્યેના પ્રેમને કારણે સહન કર્યું હતું અને ધીરજ ગુમાવી ન હતી. ભારત પ્રત્યેના પ્રેમે નવી જિંદગીની શરૂઆત કરવાનો એમનો સંકલ્પ નમન કરવા યોગ્ય છે, પ્રેરણા મેળવવા યોગ્ય છે.

 

આજે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે જે લોકો છેલ્લાં 75 વર્ષમાં દેશ માટે જીવ્યા-મર્યા છે, જેમણે દેશની રક્ષા કરી છે, દેશના સંકલ્પોને પૂર્ણ કર્યા છે; પછી તે લશ્કરના જવાનો હોય, પોલીસ કર્મચારીઓ હોય, શાસનમાં બેઠેલા અમલદારો હોય, જનપ્રતિનિધિઓ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શાસકો અને પ્રશાસકો હોય, રાજ્યોના શાસકો અને વહીવટકર્તાઓ રહ્યા હોય; આજે 75 વર્ષમાં આ બધાનાં યોગદાનને પણ યાદ કરવાનો અવસર છે, અને દેશના કરોડો નાગરિકોને પણ, જેમણે 75 વર્ષમાં અનેક મુશ્કેલીઓ છતાં દેશને આગળ લઈ જવા માટે પોતાનાથી જે કંઈ પણ થઈ શકે તે કરવાનો પ્રયાસ કર્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ,

75 વર્ષની આપણી આ યાત્રા અનેક ઉતાર-ચઢાવથી ભરેલી છે. સુખ-દુઃખનો પડછાયો મંડરાતો રહ્યો છે અને આની વચ્ચે પણ આપણા દેશવાસીઓએ સિદ્ધિઓ મેળવી છે, પુરુષાર્થ કર્યો છે, હાર નથી માની. સંકલ્પોને અદૃશ્ય થવા દીધા નથી. અને એટલે એ વાત પણ સાચી છે કે સેંકડો વર્ષોની ગુલામીના કાળખંડે ભારતના માનસ પર, ભારતના માનવીઓની લાગણીઓને ઊંડા જખમ આપ્યા હતા, ઊંડા ઘા કર્યા હતા, પરંતુ તેની અંદર એક જીદ પણ હતી, એક જીજિવિષા પણ હતી, એક ઝનૂન પણ હતું, એક જુસ્સો પણ હતો. અને તેનાં કારણે અભાવો વચ્ચે પણ, ઉપહાસ વચ્ચે પણ અને જ્યારે આઝાદીનું યુદ્ધ અંતિમ તબક્કામાં હતું ત્યારે દેશને ડરાવવા માટે, નિરાશ કરવા માટે, હતાશ કરવા માટે તમામ ઉપાય કરાયા હતા. આઝાદી પછી અંગ્રેજો જતા રહેશે તો દેશ તૂટી જશે, વિખેરાઈ જશે, લોકો અંદર-અંદર લડતા લડતા મરી જશે, કંઈ બાકી નહીં બચે, ભારત અંધારા યુગમાં જશે, કોણ જાણે કેવી કેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તેઓ જાણતા ન હતા કે આ હિંદુસ્તાનની ધરતી છે, આ માટીમાં એ સામર્થ્ય છે જે શાસકોથી પર રહીને સામર્થ્યનો એક અંતરપ્રભાવ લઈને જીવી રહી છે, સદીઓથી જીવી રહી છે અને તેનું જ પરિણામ છે કે, આપણે શું નથી સહન કર્યું, ક્યારેક અન્નનું સંકટ વેઠ્યું, તો ક્યારેક યુદ્ધના શિકાર બની ગયા.
આતંકવાદે માર્ગે માર્ગે પડકારો ઊભા કર્યા, નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પ્રોક્સી યુદ્ધો ચાલુ રહ્યા, કુદરતી આફતો આવતી રહી, સફળતા, નિષ્ફળતા, આશા, નિરાશા, કોણ જાણે કેટલા પડાવ આવ્યા છે. પરંતુ આ મુકામની વચ્ચે પણ ભારત આગળ વધતું રહ્યું છે. ભારતની વિવિધતા જે અન્ય લોકોને ભારત માટે બોજ લાગતી હતી. ભારતની એ વિવિધતા જ ભારતની અણમોલ શક્તિ છે. શક્તિનો એક અતૂટ પુરાવો છે. દુનિયાને ખબર નહોતી કે ભારતમાં એક સહજ સામર્થ્ય છે, એક સંસ્કાર સરિતા છે, એક મન મસ્તિષ્કનું, વિચારોનું બંધન છે. અને તે છે, ભારત લોકશાહીની જનની છે, લોકશાહીની માતા છે અને જેમનાં મનમાં લોકશાહી હોય છે, તેઓ જ્યારે સંકલ્પ લઈને આગળ વધે છે, ત્યારે તે સામર્થ્ય વિશ્વની મોટી મોટી સલ્તનતો માટે પણ સંકટનો સમય લઇને આવે છે. આ લોકશાહીની માતા, આ લોકશાહીની જનની, આપણા ભારતે સિદ્ધ કરી દીધું છે કે આપણી પાસે એક અણમોલ સામર્થ્ય છે.

મારા પ્રિય દેશવાસીઓ,
હિમાલયની ગુફાઓ હોય, દરેક ખૂણે મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું, છેલ્લા માણસની ચિંતા કરવાનું, છેવાડાની વ્યક્તિને સક્ષમ બનાવવાની મહાત્મા ગાંધીની જે આકાંક્ષા હતી, મેં મારી જાતને એ માટે સમર્પિત કરી છે, અને તે 8 વર્ષનું પરિણામ અને આઝાદીના આટલા દાયકાઓનો અનુભવ, આજે 75 વર્ષ પછી જ્યારે આપણે અમૃત કાલ તરફ કદમ માંડીએ છીએ, આ અમૃત કાલની પહેલી સવાર છે, ત્યારે હું એક એવાં સામર્થ્યને જોઇ રહ્યો છું. અને જે મને ગર્વથી ભરી દે છે.

દેશવાસીઓ,
હું આજે આ દેશનું સૌથી મોટું સૌભાગ્ય એ જોઈ રહ્યો છું. કે ભારતના લોકો- જનમન આકાંક્ષી જનમન છે. મહત્વાકાંક્ષી સમાજ એ કોઈપણ દેશ માટે એક મહાન બક્ષિસ છે. અને અમને ગર્વ છે કે આજે ભારતના દરેક ખૂણામાં, દરેક સમાજના દરેક વર્ગમાં, દરેક ખંડમાં આકાંક્ષાઓ વધી રહી છે. દેશનો દરેક નાગરિક વસ્તુઓ બદલવા માગે છે, વસ્તુઓ બદલાતી જોવા માંગે છે, પરંતુ રાહ જોવા તૈયાર નથી, તેની નજર સામે જોવા માગે છે, ફરજ સાથે જોડાઇને કરવા માગે છે. તેને ગતિ જોઈએ છે, તેને પ્રગતિ જોઈએ છે. તે પોતાની નજરની સામે 75 વર્ષમાં જોયેલાં તમામ સપનાઓને પૂરા કરવા આતુર, ઉત્સાહિત, અને ઉતાવળો પણ છે.

કેટલાક લોકોને તેનાં કારણે સંકટ થઈ શકે છે. કારણ કે જ્યારે મહત્વાકાંક્ષી સમાજ હોય ત્યારે સરકારોએ પણ તલવારની ધાર પર ચાલવું પડે છે. સરકારોએ પણ સમય સાથે દોડવું પડે છે અને હું માનું છું કે તે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, ભલે ગમે તે પ્રકારની શાસન વ્યવસ્થા હોય, દરેક વ્યક્તિએ આ મહત્વાકાંક્ષી સમાજને સંબોધિત કરવો પડશે, તેમની આકાંક્ષાઓ માટે આપણે વધુ રાહ જોઈ શકીએ નહીં. આપણા આ આકાંક્ષી સમાજે લાંબા સમય સુધી રાહ જોઇ છે. પરંતુ હવે તેઓ તેમની આવનારી પેઢીને રાહ જોવા માટે મજબૂર કરવા તૈયાર નથી અને તેથી આ અમૃત સમયની પ્રથમ પ્રભાત એ મહત્વાકાંક્ષી સમાજની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની એક મોટી સોનેરી તક લઈને આવી છે.

મારા પ્રિય દેશવાસીઓ.

આપણે વીતેલા દિવસોમાં જોયું છે કે આપણે વધુ એક તાકાતનો અનુભવ કર્યો છે અને તે છે ભારતમાં સામૂહિક ચેતનાનું પુન;જાગૃત થવી. એક સામૂહિક ચેતનાનું પુનર્જાગરણ, આઝાદીના આટલા સંઘર્ષમાં જે અમૃત હતું, તે હવે સાચવવામાં આવી રહ્યું છે, સંકલિત કરવામાં આવી રહ્યું છે. તે સંકલ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે, પુરુષાર્થની પરાકાષ્ઠા ઉમેરાઈ રહી છે અને સિદ્ધિનો માર્ગ દેખાઈ રહ્યો છે. આ ચેતના, મને લાગે છે કે આ ચેતનાની જાગૃતિ, આ પુનર્જાગરણ આપણી સૌથી મોટી સંપત્તિ છે. અને જુઓ આ નવજાગરણ 10 ઑગસ્ટ સુધી, લોકોને કદાચ ખબર પણ નહીં હોય કે દેશની અંદર કઈ તાકાત છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ત્રિરંગા ઝંડા લઈને ત્રિરંગાની યાત્રા લઇને દેશ ચાલી નીકળ્યો છે. મોટા મોટા સામાજિક વિજ્ઞાનના નિષ્ણાતો પણ કલ્પના નહીં કરી શકતા હોય કે ત્રિરંગા ઝંડાએ મારી અંદર મારા દેશની અંદર કેટલું મોટું સામર્થ્ય છે, એ એક તિરંગા ઝંડાએ બતાવ્યું છે. આ પુનઃ ચેતના, પુનર્જાગૃતિની ક્ષણ છે. આ લોકો સમજી શક્યા નથી.

જ્યારે ભારતનો દરેક ખૂણો, દેશ જનતા કર્ફ્યુ માટે નીકળી પડે છે, ત્યારે તે ચેતના અનુભવાય છે. જ્યારે દેશ તાળી, થાળી વગાડીને કોરોના યોદ્ધાઓ સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહે છે, ત્યારે ચેતનાનો અહેસાસ થાય છે. જ્યારે દેશ દીવો પ્રગટાવીને કોરોના યોદ્ધાને શુભકામના પાઠવવા નીકળી પડે છે ત્યારે એ ચેતનાનો અનુભવ થાય છે. કોરોનાના સમયમાં રસી લેવી કે નહીં, રસી ઉપયોગી છે કે નહીં તેની અસમંજસમાં દુનિયા જીવી રહી હતી. ત્યારે મારા દેશના ગામડાંના ગરીબો પણ બસો કરોડ ડોઝ દુનિયાને ચોંકાવનારું કામ કરીને બતાવે છે. આ જ ચેતના છે, આ જ સામર્થ્ય છે, આ સામર્થ્યએ આજે દેશને નવી તાકાત આપી છે.

મારાં પ્રિય ભાઇઓ-બહેનો,
આ એક મહત્વપૂર્ણ સામર્થ્યને હું જોઇ રહ્યો છું, જે રીતે મહત્વાકાંક્ષી સમાજ, પુનર્જાગરણની જેમ જ, આઝાદીના આટલા દાયકાઓ પછી, સમગ્ર વિશ્વનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. વિશ્વ ભારત તરફ ગર્વથી જોઈ રહ્યું છે, અપેક્ષા સાથે જોઈ રહ્યું છે. વિશ્વ ભારતની ધરતી પર સમસ્યાઓનો ઉકેલ શોધવા માંડ્યું છે, મિત્રો. દુનિયામાં આ પરિવર્તન, દુનિયાની વિચારસરણીમાં આ પરિવર્તન આપણી 75 વર્ષની અનુભવ યાત્રાનું પરિણામ છે.
આપણે જે રીતે સંકલ્પ સાથે નીકળી પડ્યા છીએ, દુનિયા તેને જોઈ રહી છે અને આખરે દુનિયા પણ આશા સાથે જીવી રહી છે. અપેક્ષાઓ પૂરી કરવાની ક્ષમતા ક્યાં પડી છે, તે તેને દેખાવા લાગ્યું છે. હું તેને નારી શક્તિ તરીકે જોઉં છું. હું તેને ત્રણ સામર્થ્ય તરીકે જોઉં છું, અને આ ત્રિ-શક્તિ છે આકાંક્ષાની, પુનર્જાગરણની અને વિશ્વની આશાઓની અને તેને પરિપૂર્ણ કરવા માટે, આપણે જાણીએ છીએ મિત્રો, આજે વિશ્વમાં વિશ્વાસ જાગૃત કરવામાં મારા દેશવાસીઓની મોટી ભૂમિકા છે. 130 કરોડ દેશવાસીઓએ ઘણા દાયકાઓના અનુભવ બાદ સ્થિર સરકારનું મહત્વ શું છે, રાજકીય સ્થિરતાનું શું મહત્વ છે, વિશ્વમાં રાજકીય સ્થિરતા કેવા પ્રકારની શક્તિ બતાવી શકે છે.

નીતિઓની શક્તિ શું છે, તે નીતિઓ પર વિશ્વનો વિશ્વાસ કેવી રીતે બને છે. ભારતે આ બતાવ્યું છે અને દુનિયા પણ તેને સમજી રહી છે. અને હવે જ્યારે રાજકીય સ્થિરતા હોય, નીતિઓમાં ગતિશીલતા હોય, નિર્ણયોમાં ગતિ હોય, સર્વવ્યાપકતા હોય, સર્વસમાજ વિશ્વસ્ત હોય, ત્યારે દરેક વિકાસના ભાગીદાર બને છે. અમે સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે ચાલ્યા હતા, પરંતુ જોત જોતામાં દેશવાસીઓએ સબ કા વિશ્વાસ અને સબ કે પ્રયાસથી એમાં વધુ રંગ ઉમેર્યા છે. અને તેથી આપણે આપણી સામૂહિક શક્તિ જોઈ છે, આપણે આપણાં સામૂહિક સામર્થ્યને જોયું છે. જે રીતે આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવાયો, જે રીતે આજે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, ગામડે ગામડે લોકો જોડાઈ રહ્યા છે, કરસેવા કરી રહ્યા છે. પોતાના પ્રયાસોથી તેઓ તેમના ગામમાં જળ સંરક્ષણ માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યાં છે. અને તેથી જ ભાઈઓ અને બહેનો, સ્વચ્છતા અભિયાન હોય, ગરીબોના કલ્યાણનું કામ હોય, દેશ આજે પૂરી તાકાતથી આગળ વધી રહ્યો છે.

પણ ભાઈઓ અને બહેનો, આપણે આઝાદીના અમૃત કાળમાં આપણી 75 વર્ષની સફરનો મહિમા કરતા રહીશું, આપણી જ પીઠ થપથપાવતા રહીશું, તો આપણાં સપનાઓ દૂર ચાલ્યાં જશે. અને તેથી જ 75 વર્ષનો સમયગાળો ભલે ગમે એટલો શાનદાર રહ્યો હોય, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ, કેટલા પડકારોવાળો રહ્યો હોય, કેટલાંય સપના અધૂરા લાગતાં હોય છતાં આજે જ્યારે આપણે અમૃત કાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું અને તેથી જ આજે જ્યારે હું લાલ કિલ્લા પરથી 130 કરોડ દેશવાસીઓનાં સામર્થ્યને યાદ કરું છું, હું તેમનાં સપના જોઉં છું, હું તેમના સંકલ્પને અનુભવું છું, તો સાથીઓ મને લાગે છે કે આવનારાં 25 વર્ષ માટે આપણે એ પંચપ્રતિજ્ઞા પર આપણી શક્તિ કેન્દ્રીત કરવી પડશે. આપણા સંકલ્પોને કેન્દ્રીત કરવા પડશે. આપણાં સામર્થ્યને કેન્દ્રીત કરવું પડશે. અને આપણે આ પાંચપ્રણ- પાંચ પ્રતિજ્ઞા લઈને, 2047 જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે, આઝાદીના દીવાનાનાં તમામ સપનાં પૂરાં કરવાની જવાબદારી લઈને ચાલવું પડશે.

જ્યારે હું પંચપ્રણની વાત કરું છું ત્યારે પહેલી પ્રતિજ્ઞા હવે દેશ મોટા સંકલ્પ લઈને જ ચાલશે. તમારે બહુ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. અને તે મોટો સંકલ્પ છે વિકસિત ભારત, હવે તેનાથી કંઈ ઓછું ન હોવું જોઈએ. મોટો સંકલ્પ- બીજો પ્રણ એ છે કે કોઈ પણ ખૂણે, આપણા મનની અંદર, આપણી આદતોમાં, જો હજુ પણ ગુલામીનો કોઈ અંશ પણ હોય તો તેને કોઈ પણ સંજોગોમાં રહેવા દેવાનો નથી. હવે 100 ટકા, 100 ટકા, સેંકડો વર્ષોની ગુલામીએ આપણને બાંધીને રાખ્યા છે, આપણા મનોભાવને બાંધીને રાખ્યા છે, આપણા વિચારોમાં વિકૃતિઓ પેદા કરી રાખી છે. ગુલામીની નાની નાની વસ્તુ આપણને ક્યાંય પણ દેખાય છે, તે આપણી અંદર દેખાય છે, આપણી આસપાસ દેખાય છે, આપણે તેમાંથી મુક્તિ મેળવવી પડશે. આ આપણી બીજી પ્રતિજ્ઞા શક્તિ છે. ત્રીજી પ્રતિજ્ઞા, આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ, કારણ કે આ વારસાએ જ એક સમયે ભારતને સુવર્ણ કાળ આપ્યો હતો. અને આ તે વારસો છે જેને સમયાનુસાર પરિવર્તન કરવાની ટેવ છે. આ તે જ વારસો છે જે કાળ-બાહ્યને છોડતો રહ્યો છે. નિત્ય નવું સ્વીકારતો રહ્યો છે. અને તેથી આપણને આ વારસો પર ગર્વ હોવો જોઈએ. ચોથી પ્રતિજ્ઞા પણ એટલી જ મહત્ત્વની છે અને તે છે એકતા અને એકજૂથતા. 130 કરોડ દેશવાસીઓમાં એકતા, ન કોઈનું પોતાનું કે ન કોઇ પારકું, એકતાની તાકાત, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં સપનાઓ માટે આપણી ચોથી પ્રતિજ્ઞા છે. અને પાંચમો સંકલ્પ, પાંચમી પ્રતિજ્ઞા નાગરિકોની ફરજ છે, નાગરિકોની ફરજ, જેમાં પ્રધાનમંત્રી પણ બહાર નથી હોતા, મુખ્યમંત્રી પણ બહાર નથી, તેઓ પણ નાગરિક છે. નાગરિકોની ફરજ. આવનારાં 25 વર્ષનાં આપણાં સપનાંઓને પૂરાં કરવા માટે આ એક મોટી પ્રતિજ્ઞા શક્તિ છે.

મારા પ્રિય દેશવાસીઓ
જ્યારે સપનાં મોટાં હોય છે, જ્યારે સંકલ્પો મોટા હોય છે, ત્યારે પુરુષાર્થ પણ ખૂબ મોટો હોય છે. શક્તિ પણ ખૂબ મોટી માત્રામાં જોડાય જાય છે. હવે કોઇ કલ્પના કરી શકે કે દેશ, 40-42ના એ સમયને યાદ કરો, દેશ ઉભો થયો હતો. કોઈએ હાથમાં સાવરણી લીધી હતી, કોઈએ રેંટિયો, કોઈએ સત્યાગ્રહનો માર્ગ પસંદ કર્યો હતો, કોઈએ સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો, કોઈએ કાળ ક્રાંતિના શૌર્યનો માર્ગ પસંદ કર્યો હતો. પરંતુ સંકલ્પ મોટો હતો, ‘સ્વતંત્રતા’ અને તાકાત જુઓ, સંકલ્પ મોટો હતો તો આઝાદી લઈને રહ્યા. જો સંકલ્પ નાનો હોત, મર્યાદિત હોત તો કદાચ સંઘર્ષના દિવસો આજે પણ ચાલતા હોત, પરંતુ સંકલ્પ મોટો હતો તો આપણે હાંસલ પણ કર્યો.

મારા પ્રિય દેશવાસીઓ
હવે જ્યારે અમૃતકાળની પ્રથમ પરોઢ છે, ત્યારે આ પચીસ વર્ષમાં આપણે એક વિકસિત ભારત બનીને જ રહેવાનું છે. આપણી નજર સમક્ષ અને 20-22-25 વર્ષના મારા યુવાનો, મારા દેશના મારી સમક્ષ છે, જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે, તમે 50-55 વર્ષના થઇ ગયા હશો, એટલે કે તમારાં જીવનનો આ સુવર્ણ કાળ, તમારી ઉંમરનો આ 25-30 વર્ષનો સમયગાળો ભારતનાં સપનાઓને પૂરાં કરવાનો સમય છે. આપ સંકલ્પ લઈને મારી સાથે નીકળી પડો, મિત્રો, તિરંગા ઝંડાના શપથ લઇને નીકળો, ચાલો આપણે બધા પૂરી તાકાતથી લાગી જઈએ. મહાસંકલ્પ, મારો દેશ એક વિકસિત દેશ હશે, વિકસિત દેશ હશે, વિકાસના દરેક માપદંડમાં આપણે એક માનવકેન્દ્રી વ્યવસ્થા વિકસિત કરીશું, આપણાં કેન્દ્રમાં માનવ હશે, આપણાં કેન્દ્રમાં માનવીય આશાઓ હશે, આકાંક્ષાઓ હશે. આપણે જાણીએ છીએ કે જ્યારે ભારત મહાન સંકલ્પો કરે છે, ત્યારે તે તેને કરી પણ બતાવે છે.

જ્યારે મેં અહીં સ્વચ્છતાની વાત કરી હતી, મારાં પહેલા ભાષણમાં, ત્યારે દેશ નીકળી પડ્યો છે, જે જ્યાં પણ શક્ય હોય ત્યાં સ્વચ્છતાની દિશામાં આગળ વધ્યો છે, ગંદકી પ્રત્યે નફરત એક સ્વભાવ બની ગયો છે. આ એ જ તો દેશ છે, જેણે તે કરી બતાવ્યું છે અને કરી પણ રહ્યો છે, આગળ પણ કરી રહ્યો છે; આ તેજ દેશ છે, જેણે રસીકરણ કર્યું છે, વિશ્વ દ્વિધામાં હતું, 200 કરોડનો લક્ષ્યાંક પાર કર્યો છે, સમયબદ્ધ રીતે કર્યો છે, તમામ જૂના રેકોર્ડ તોડી કર્યું છે, આ દેશ કરી શકે છે. આપણે નક્કી કર્યું હતું કે આપણે ખાડીના તેલ પર ગુજારો કરીએ છીએ, ઝાડીના તેલ તરફ કેવી રીતે આગળ વધવું, 10 ટકા ઇથેનોલ મિશ્રણનું સપનું મોટું લાગતું હતું. જૂનો ઇતિહાસ કહેતો હતો કે તે શક્ય નથી, પરંતુ સમય કરતા પહેલા 10 ટકા ઇથેનોલને બ્લેન્ડ કરીને, દેશે આ સ્વપ્નને પૂર્ણ કર્યું છે.

ભાઇઓ-બહેનો,
આટલા ઓછા સમયમાં અઢી કરોડ લોકોને વીજળીનું કનેક્શન આપવું એ કંઈ નાનું કામ નહોતું, દેશે તે કરી બતાવ્યું. આજે, દેશ લાખો પરિવારોનાં ઘરોને ‘નળનું પાણી’ પહોંચાડવા માટે ઝડપથી કામ કરી રહ્યો છે. આજે ભારતની અંદર ખુલ્લામાં શૌચથી મુક્તિ શક્ય બની છે.

મારા પ્રિય દેશવાસીઓ,
અનુભવ કહે છે કે એક વખત આપણે બધા સંકલ્પ કરી લઈએ, પછી આપણે નક્કી કરેલાં લક્ષ્યોને પાર કરી શકીએ છીએ. રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હોય, દેશમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો ઇરાદો હોય, ડોક્ટર્સની તૈયારી કરાવવાની હોય, દરેક ક્ષેત્રમાં ગતિ પહેલાથી ઘણી વધી છે. અને એટલા માટે જ હું કહું છું કે હવે આવનારાં 25 વર્ષ બહુ મોટા સંકલ્પનાં હોવાં જોઈએ, આ જ આપણી પ્રતિજ્ઞા, આ આપણી પ્રતિજ્ઞા પણ હોવી જોઈએ.

બીજી વાત મેં કહી છે, મેં તે પ્રતિજ્ઞા શક્તિની ચર્ચા કરી છે કે ગુલામીની માનસિકતા, દેશની વિચારધારા, વિચાર કરો, ભાઈઓ, દુનિયા ક્યાં સુધી આપણને પ્રમાણપત્રો વહેંચતી રહેશે? આપણે વિશ્વનાં પ્રમાણપત્ર પર કેટલો સમય આધાર રાખીશું? શું આપણે આપણા પોતાના ધોરણો નક્કી નહીં કરીએ? શું ૧૩૦ કરોડનો દેશ તેનાં ધોરણોને પાર કરવાનો પ્રયાસ ન કરી શકે? આપણે કોઈ પણ સંજોગોમાં બીજા જેવા દેખાવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. આપણે જેવા છીએ તેવા ઉભા રહીશું, પરંતુ આપણે સામર્થ્ય સાથે ઉભા રહીશું, આ આપણો મિજાજ હોવો જોઈએ. આપણને ગુલામીમાંથી મુક્તિની જરૂર છે. આપણા મનમાં ગુલામીનું તત્ત્વ દૂર-દૂરના સાત સમુદ્રો નીચે પણ ન રહેવું જોઈએ, મિત્રો. અને હું આશા સાથે જોઉં છું કે, જે રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે, જે મંથન સાથે તે બનાવવામાં આવી છે, તે કરોડો લોકોના વિચાર-પ્રવાહને સંકલિત કરીને બનાવવામાં આવી છે અને ભારતની ધરતીની જમીન સાથે જોડાયેલી શિક્ષણ નીતિ બની છે, રસકસ આપણી ધરતીનાં મળ્યાં છે. અમે કૌશલ્ય પર જે ભાર મૂક્યો છે, આ એક એવું સામર્થ્ય છે જે આપણને ગુલામીમાંથી મુક્ત થવાની તાકાત આપશે.

આપણે જોયું છે કે કેટલીક વાર આપણી પ્રતિભા ભાષાનાં બંધનોથી બંધાઈ જાય છે, તે ગુલામીની માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ. આપણે ભાષા જાણીએ કે ન જાણીએ, તે મારા દેશની ભાષા છે, આ મારા પૂર્વજોએ દુનિયાને આપેલી ભાષા છે, આપણને ગર્વ થવો જોઈએ.

મારા સાથીઓ,
આજે આપણે ડિજિટલ ઇન્ડિયાનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. સ્ટાર્ટ-અપ્સને જોઇ રહ્યા છીએ. કોણ લોકો છે? આ જ ટેલેન્ટ છે જે લોકો ટિયર-2, ટિયર-3 સીટીમાં ગામડાના ગરીબના પરિવારમાં વસતા લોકો છે. તે આપણા યુવાનો છે જે આજે નવી શોધો સાથે વિશ્વની સામે આવી રહ્યા છે. આપણે ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવો પડશે. આપણાં સામર્થ્ય પર વિશ્વાસ કરવો પડશે.

બીજી વાત જે મેં કહી છે, ત્રીજી મારી પ્રતિજ્ઞા શક્તિની વાત છે, તે આપણા વારસાની છે. આપણને ગર્વ થવો જોઈએ. જ્યારે આપણે આપણી ધરતી સાથે જોડાઈશું, જ્યારે આપણે આપણી જમીન સાથે જોડાઈશું, ત્યારે જ તો આપણે ઊંચે ઊડીશું, અને જ્યારે આપણે ઊંચે ઊડીશું, ત્યારે આપણે દુનિયાને સમાધાનો પણ આપી શકીશું. જ્યારે આપણને આપણી વસ્તુઓ પર ગર્વ થાય છે ત્યારે આપણે જોયું છે. આજે દુનિયા સમગ્રલક્ષી હેલ્થકેરની વાત કરી રહી છે, પરંતુ જ્યારે સમગ્રલક્ષી હેલ્થકેરની વાત કરવામાં આવે છે, ત્યારે તેની નજર ભારતના યોગ, ભારતના આયુર્વેદ, ભારતની સંપૂર્ણ જીવનશૈલી પર જાય છે. આ આપણો વારસો છે જે આપણે વિશ્વને આપી રહ્યા છીએ. દુનિયા આજે તેનાથી પ્રભાવિત થઈ રહી છે. હવે આપણી તાકાત જુઓ. આપણે એવા લોકો છીએ જે પ્રકૃતિ સાથે કેવી રીતે જીવવું તે જાણે છે. પ્રકૃતિને પ્રેમ કેવી રીતે કરવો એ જાણીએ છીએ. આજે દુનિયા પર્યાવરણની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. આપણી પાસે તે વારસો છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ હલ કરવાનો માર્ગ આપણી પાસે છે. આપણા પૂર્વજોએ એ આપ્યો છે.

જ્યારે આપણે જીવનશૈલી, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશે વાત કરીએ છીએ, આપણે જીવન મિશન વિશે વાત કરીએ છીએ, આપણે વિશ્વનું ધ્યાન આકર્ષિત કરીએ છીએ. આપણી પાસે આ ક્ષમતા છે. આપણું મોટું ધાન, મોટું બાજરી, આપણે ત્યાં તો ઘર ઘરની ચીજ રહી છે. આ આપણો વારસો છે, આપણા નાના ખેડૂતોના પરિશ્રમથી નાની નાની જમીનના ટુકડાઓમાં પાકતું આપણું ધાન. આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય સ્તરે બાજરી વર્ષ ઉજવવા માટે આગળ વધી રહ્યું છે. મતલબ કે આપણો વારસાને આજે વિશ્વ, ચાલો આપણે તેના પર ગર્વ કરતા શીખીએ. આપણી પાસે વિશ્વને આપવા માટે ઘણું બધું છે. આપણા પારિવારિક મૂલ્યો જ્યારે વિશ્વના સામાજિક તનાવની ચર્ચા થઈ રહી છે. જ્યારે વ્યક્તિગત તણાવની ચર્ચા કરવામાં આવે છે, ત્યારે લોકોને યોગ દેખાય છે. સામૂહિક તણાવની વાત કરવામાં આવે તો ભારતની પરિવાર વ્યવસ્થા દેખાય છે. સદીઓથી આપણી માતાઓ અને બહેનોનાં બલિદાનને કારણે જે સંયુક્ત કુટુંબની પ્રણાલીનો વિકાસ થયો છે તે આપણો વારસો છે. આપણે આ વારસા પર કેવી રીતે ગર્વ કરી શકીએ? આપણે એ લોકો છીએ જે જીવમાં પણ શિવને જુએ છે. આપણે એ લોકો છીએ જે નારાયણને નરમાં જુએ છે. આપણે નારીને નારાયણી કહેનારા લોકો છીએ. આપણે એવા લોકો છીએ જે છોડમાં પરમાત્માને જુએ છે. આપણે એવા લોકો છીએ જે નદીને માતા માને છે. આપણે એ લોકો છીએ જે દરેક કંકરમાં શંકરને જુએ છે. આ આપણું સામર્થ્ય છે, આપણે દરેક નદીમાં માતાનું સ્વરૂપ જોઈએ છીએ. પર્યાવરણની આટલી વ્યાપક વિશાળતા એ આપણું ગૌરવ જ્યારે વિશ્વની સામે જાતે કરીશું તો દુનિયા કરશે.

ભાઇઓ-બહેનો,
આપણે એ લોકો છીએ જેમણે વસુધૈવ કુટુંબકમનો મંત્ર દુનિયાને આપ્યો છે. આપણે એ લોકો છીએ જે દુનિયાને કહે છે ‘એક સદ્વિપ્રા બહુધા વદન્તિ’. આજે ‘holier than thou’નું જે સંકટ ચાલી રહ્યું છે, હું તારાથી પણ મોટો છું, આ જે તનાવનું કારણ બન્યું છે, આપણી પાસે દુનિયાને એક સદ્વિપ્રા બહુધા વદન્તિનું જ્ઞાન આપતો વારસો છે. જે કહે છે કે સત્ય એક છે, જાણકાર લોકો તેને જુદી જુદી રીતે કહે છે. આ ગૌરવ આપણું છે. આપણે એવા લોકો છીએ જે કહે છે કે યત પિણ્ડે તત બ્રહ્માંડે, કેટલો મોટો વિચાર છે, જે બ્રહ્માંડમાં છે તે દરેક જીવ માત્રમાં છે. આપણે તે લોકો છીએ જે કહે છે કે યત પિણ્ડે તત બ્રહ્માંડ. આપણે એવા લોકો છીએ જેણે વિશ્વનું કલ્યાણ જોયું છે, આપણે જગ કલ્યાણથી જન કલ્યાણના રાહી રહ્યા છીએ. જન કલ્યાણથી જગ કલ્યાણના માર્ગે ચાલનારા આપણે લોકો જ્યારે દુનિયાની કામના કરીએ છીએ ત્યારે કહીએ છીએ – સર્વે ભવન્તુ સુખિન: સર્વે સંતુ નિરામયા: સૌના સુખની વાત, સૌનાં આરોગ્યની વાત કરવાનો આપણો વારસો છે. અને એટલે આપણે બહુ શાનથી આપણા આ વારસા પર ગર્વ કરતા શીખીએ, આ પ્રતિજ્ઞા શક્તિ છે આપણી, જે આપણે 25 વર્ષોનાં સપનાં પૂરાં કરવા માટે જરૂરી છે.

એ જ રીતે મારા પ્રિય દેશવાસીઓ,
બીજો મહત્વનો વિષય એકતા, એકજૂથતા છે. આપણે આટલા મોટા દેશને એની વિવિધતાને ઉજવનાની છે, આટલા બધા સંપ્રદાયો અને પરંપરાઓ તે આપણી આન બાન અને શાન છે. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી, બધા સમાન છે. કોઈ મારું નથી, કોઈ પારકું નથી, દરેક જણ પોતાનું છે. એકતા માટે આ લાગણી ખૂબ જ મહત્ત્વની છે. ઘરમાં પણ પુત્ર-પુત્રી સમાન હોય ત્યારે જ એકતાનો પાયો નંખાય છે. જો પુત્ર-પુત્રી એક સરખા ન હોય તો એકતાના મંત્રોનો જાપ કરી શકાતો નથી. લિંગ સમાનતા એ આપણી એકતાની પ્રથમ શરત છે. જ્યારે આપણે એકતાની વાત કરીએ છીએ, જો આપણી પાસે એ જ માપદંડ હોય, એ જ માપદંડો હોય, આપણે ઇન્ડિયા ફર્સ્ટમાં હું જે કંઈ પણ કરી રહ્યો છું, હું જે કંઈ પણ વિચારી રહ્યો છું, જે કંઈ બોલી રહ્યો છું તે ઇન્ડિયા ફર્સ્ટ સાથે સુસંગત છે. એકતાનો માર્ગ ખૂલશે, મિત્ર. તે મંત્ર આપણને એકતા સાથે બાંધનારો મંત્ર છે, આપણે તેને પકડવો પડશે. હું દૃઢપણે માનું છું કે સમાજમાં ઊંચ-નીચના ભેદભાવથી માંડીને મારા અને તારાના ભેદભાવોથી આપણે આપણા સૌના પૂજારી બનીએ. શ્રમેવ જયતે કહે છે કે અમને શ્રમિકોનું સન્માન કરવું એ આપણો સ્વભાવ હોવો જોઈએ.

પરંતુ ભાઇઓ અને બહેનો,
હું લાલ કિલ્લા પરથી મારી બીજી એક પીડા કહેવા માંગુ છું, હું આ દર્દ કહ્યા વગર રહી શકતો નથી. હું જાણું છું કે આ વાત કદાચ લાલ કિલ્લાનો વિષય ન હોઇ શકે. પણ મારી અંદરની પીડા હું ક્યાં કહીશ? જો હું દેશવાસીઓની સામે નહીં કહું તો કોને કહીશ અને તે એટલા માટે કે કોઇને કોઇ કારણસર આપણામાં એવી વિકૃતિ આવી ગઇ છે, આપણી બોલચાલમાં, આપણા વર્તનમાં, આપણા શબ્દોમાં આપણે નારીઓનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજિંદા જીવનમાં નારીઓને અપમાનિત કરતી દરેક બાબતોમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઇ શકીએ? રાષ્ટ્રના સપનાંને સાકાર કરવામાં નારીઓનું ગૌરવ એક મોટી પૂંજી બની રહેશે. હું આ સામર્થ્ય જોઇ રહ્યો છું અને તેથી હું તેનો આગ્રહ રાખું છું.

મારા પ્રિય દેશવાસીઓ,
હું પાંચમી પ્રણશક્તિની વાત કરી રહ્યો છું. અને તે પાંચમી પ્રણશક્તિ છે નાગરિકનું કર્તવ્ય. દુનિયાના જેટલા પણ દેશોએ પ્રગતિ કરી છે. જેટલા પણ દેશોએ કંઇકને કંઇક પ્રાપ્ત કર્યું છે, અંગત જીવનમાં પણ જેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંથી કેટલીક બાબતો ઉભરીને સામે આવી છે. એક શિસ્તપૂર્ણ જીવન, બીજું, ફરજ પ્રત્યેની નિષ્ઠા. વ્યક્તિના જીવનની, સમાજની, પરિવારની કે પછી, રાષ્ટ્રની સફળતાની વાત હોય. તેને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત માર્ગ આ જ છે, આ જ મૂળભૂત પ્રણશક્તિ છે.

અને આથી આપણે ફરજ નિષ્ઠાપર ભાર મૂકવો જ પડશે. 24 કલાક વીજળી આપવાના પ્રયાસો કરવા એ સરકારનું કામ છે, પરંતુ નાગરિકોની ફરજ છે કે તેઓ શક્ય હોય તેટલા યુનિટ વીજળીની બચત કરે. દરેક ખેતરમાં પાણી પહોંચાડવાની જવાબદારી સરકારની છે, અને સરકારનો આ પ્રયાસ છે, પરંતુ ‘દરેક ટીપે વધુ પાક’નુ પાલન કરીને પાણીની બચત કરવા અને આગળ વધવા માટે દરેક ખેતરમાંથી અવાજ ઉઠાવવો જોઇએ. કેમિકલ મુક્ત ખેતી, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી એ આપણી ફરજ છે.

મિત્રો, પોલીસ હોય કે પ્રજા હોય, શાસક હોય કે પછી પ્રશાસક હોય, કોઇ પણ વ્યક્તિ આ નાગરિક તરીકેની ફરજથી અછૂત રહી શકતી નથી. જો દરેક વ્યક્તિ નાગરિક તરીકેની પોતાની ફરજો નિભાવે, તો મને પૂરો વિશ્વાસ છે કે આપણું ઇચ્છિત ધ્યેય સમય કરતાં પહેલાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ,
આજે મહર્ષિ અરવિંદોની જન્મજયંતી પણ છે. હું તે મહાપુરુષનાં ચરણોમાં વંદન કરું છું. પરંતુ આપણે એ મહાપુરુષને યાદ રાખવાના છે જેમણે સ્વદેશીથી સ્વરાજ, સ્વરાજથી સૂરાજ એમ કહ્યું હતું. આ તેમણે આપેલો મંત્ર છે, આપણે બધાએ એ વિચારવું પડશે કે આપણે ક્યાં સુધી દુનિયાના અન્ય લોકો પર નિર્ભર રહીશું. શું આપણા દેશને અન્નની જરૂર છે, શું આપણે તેને આઉટસોર્સ કરી શકીએ? જ્યારે દેશે નક્કી કરી લીધું કે આપણું પેટ આપણે જ ભરીશું, ત્યારે દેશે આમ કરી બતાવ્યું. કરી બતાવ્યું કે નહીં! એક વાર સંકલ્પ લઇએ તો એવું થાય છે. અને આથી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ એ દરેક નાગરિકની, દરેક સરકારની, સમાજના દરેક એકમની જવાબદારી બને છે. આ આત્મનિર્ભર ભારત, આ સરકારનો એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી. આ સમાજનું જન આંદોલન છે, જેને આપણે આગળ લઇ જવાનું છે.


મારા મિત્રો, આજે જ્યારે આપણે જ્યારે એ સાંભળ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી, જે અવાજ સાંભળવા માટે આપણા કાન તરસી રહ્યા હતા, તે અવાજ આજે 75 વર્ષ પછી સાંભળવા મળ્યો છે. 75 વર્ષ બાદ લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવાનું કામ પહેલી વખત મેડ ઇન ઇન્ડિયા તોપ દ્વારા કરવામાં આવ્યું છે. એવા કયા હિન્દુસ્તાની હશે, જેમને આ વાત, આ અવાજ એક નવી પ્રેરણા, નવી તાકાત ના આપે. અને આથી જ, મારા પ્રિય ભાઇઓ અને બહેનો, આજે હું આપણા દેશની સેનાના જવાનોને હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. મારા આત્મનિર્ભરતાની વાતને સંગઠિત સ્વરૂપમાં, સાહસના સ્વરૂપમાં, મારી સેનાના જવાનોએ, સેના નાયકોએ જે જવાબદારી પાસેથે પોતાના ખભા પર ઉપાડી છે તેના માટે હું તેમને જેટલી સલામ કરું એટલી ઓછી છે, મિત્રો. આજે હું તેમને સલામ કરું છું. કારણ કે સેનાનો જવાન મોતને પોતાની મુઠ્ઠીમાં લઇને આગળ વધે છે. મૃત્યુ અને જીવન વચ્ચે કોઇ જ અંતર નથી હોતું અને ત્યારે તે વચ્ચે અડગ બનીને રીતે ઉભો રહે છે. અને મારા સૈન્યના તે જવાનો નક્કી કરે કે હવે આપણે એવી ત્રણસો વસ્તુઓની યાદી બનાવીએ જે આપણે વિદેશથી નહીં લાવીએ. આપણા દેશના આ સંકલ્પો નાના અમથો સંકલ્પ નથી.

મને આ સંકલ્પમાં ભારતના ‘આત્મનિર્ભર’ ભારતના ઉજ્જવળ ભવિષ્યના એ બીજ દેખાઇ રહ્યા, જે આ સપનાઓને ભવિષ્યમાં વટવૃક્ષમાં ફેરવવાના છે. સલામ! સલામ! મારા સૈન્ય અધિકારીઓને સલામ. હું આપણા નાના નાના બાળકોને 5 વર્ષ 7 વર્ષની ઉંમરના બાળકો છે તેમને પણ સલામ કરવા માંગુ છું. તેમને પણ વંદન કરવા માંગુ છુ. જ્યારે દેશ સામે ચેતના જાગી ત્યારે મેં સેંકડો પરિવારોમાંથી મને સાંભળવા મળ્યું છે કે, માત્ર 5- 7 વર્ષના બાળકો ઘરમાં એવું કહેતા હોય છે કે હવેથી તેઓ વિદેશી રમકડાંથી નહીં રમે. 5 વર્ષના બાળકો ઘરમાં વિદેશી રમકડાંથી નહીં રમે, જ્યારે તેઓ આવો સંકલ્પ કરે છે ને ત્યારે આત્મનિર્ભર ભારત તેમની નસેનસમાં દોડે છે. તમે જ જુઓ, એક લાખ કરોડ રૂપિયાની PLI યોજનામાં દુનિયાભરમાંથી લોકો પોતાનું નસીબ અજમાવવા માટે ભારત આવી રહ્યા છે. ટેકનોલોજી લઇને આવી રહ્યા છે. રોજગારીની નવી તકોનું સર્જન કરી રહ્યા છે. ભારત મેન્યુફેક્ચરિંગનું હબ બનવા જઇ રહ્યું છે. આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર થઇ રહ્યો છે. આજે વાત ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન હબ બનવાની હોય, મોબાઇલ ફોનનું ઉત્પાદન હબ બનવાની હોય, દરેક બાબતે દેશ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. જ્યારે આપણી બ્રહ્મોસ દુનિયામાં જાય છે ત્યારે એવો કયો હિન્દુસ્તાની હશે જેનું મન આકાશમાં આંબતું ના હોય, મિત્રો. આજે આપણી મેટ્રોના કોચ, આપવી વંદે ભારત ટ્રેન આખી દુનિયા માટે આકર્ષણ બની રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ,
આપણે આત્મનિર્ભર બનવાનું છે. આફણે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનું છે. આપણે ક્યાં સુધી ઉર્જા ક્ષેત્રે માટે કોઇ બીજા પર નિર્ભર રહીશું. અને આપણે સૌરનું ક્ષેત્ર હોય, પવન ઉર્જાનું ક્ષેત્ર હોય કે પછી અક્ષય ઉર્જાની વાત હોય અને જે પણ રસ્તા હોય, મિશન હાઇડ્રોજન હોય, બાયો ફ્યૂઅલના પ્રયાસો હોય, ઇલેક્ટ્રિક વાહનમાં જવાની વાત હોય, આપણે આત્મનિર્ભર બનીને આપણી વ્યવસ્થાઓને આગળ વધારવાની છે.

મારા પ્રિય દેશવાસીઓ,
આજે, પ્રાકૃતિક ખેતી પણ આત્મનિર્ભર બનવા માટેનો એક માર્ગ છે. ફર્ટિલાઇઝરથી જેયલી વધારે મુક્તિ, આજે દેશમાં નેનો ફર્ટિલાઇઝરના કારખાનાઓ પણ નવી આશા લઇને આવ્યા છે. પરંતુ પ્રાકૃતિક ખેતી, રસાયણ મુક્ત ખેતી આત્મનિર્ભરતાને તાકાત આપી શકે છે. આજે દેશમાં રોજગારીના ક્ષેત્રમાં ગ્રીન જોબના નવા ક્ષેત્રો ખૂબ જ ઝડપથી ખુલી રહ્યા છે. ભારતે નીતિઓ દ્વારા ‘સ્પેસ’ના દ્વાર પણ ખુલ્લા મૂકી દીધા છે. ડ્રોન માટે દુનિયામાં સૌથી પ્રગતિશીલ નીતિઓ લઇને અમે આવ્યા છીએ. અમે દેશના નવયુવાનો માટે આ પ્રકારે નવા દ્વાર ખોલ્યા છે.

મારા પ્રિય ભાઇઓ અને બહેનો,

હું ખાનગી ક્ષેત્રને પણ આહ્વાન કરું છું, આવો… આપણે દુનિયા પર છવાઇ જવાનું છે. આત્મનિર્ભર ભારતનું એ પણ સપનું છે કે, વિશ્વની જરૂરિયાતો પૂરી કરવામાં ભારત પાછળ ન રહે. આપણે લઘુ ઉદ્યોગ હોય, સુક્ષ્મ ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ હોય, ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ સાથે આપણે દુનિયા સમક્ષ જવું પડશે. આપણે સ્વદેશી પર ગૌરવ લેવું પડશે.

મારા પ્રિય દેશવાસીઓ,
આપણે વારંવાર લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરીએ છીએ, જય જવાન-જય કિસાન એ તેમણે આપેલો મંત્ર જે આજે પણ દેશ માટે પ્રેરણારૂપ છે. બાદમાં અટલ બિહારી વાજપેયીજીએ તેમાં ‘જય વિજ્ઞાન’ કહીને વધુ એક કડી ઉમેરી દીધી હતી અને દેશે તેને પ્રાથમિકતા આપી હતી. પરંતુ હવે અમૃતકાળ માટે બીજી અનિવાર્યતા થઇ ગઇ છે અને તે છે જય અનુસંધાન. જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન-જય અનુસંધાન- આવિષ્કાર. અને મને આપણા દેશની યુવા પેઢી પર પૂરો વિશ્વાસ છે. આવિષ્કારની તાકાત જુઓ, આજે આપણું UPI-BHIM, આપણું ડિજિટલ પેમેન્ટ, ફિનટેકની દુનિયામાં આપણું સ્થાન, આજે વિશ્વમાં, વાસ્તવિક સમયમાં 40 ટકા ડિજિટલ નાણાકીય વ્યવહારો આપણા દેશમાંથી થઇ રહ્યા છે, ભારતે આ કરીને બતાવ્યું છે.

મારા પ્રિય દેશવાસીઓ,
હવે આપણે 5G યુગ તરફ આગળ ડગલાં માંડી રહ્યા છીએ. હવે વધુ લાંબો સમય રાહ જોવાની જરૂર નથી, અમે ટૂંક સમયમાં તેની સાથે કદમતાલ મિલાવીશું. આપણે ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડી રહ્યાં છીએ. ડિજીટલ ઇન્ડિયાનું સપનું ગામડાંમાંથી પસાર થશે તેની મને પૂરેપૂરી જાણ છે. આજે મને એ વાતની ખુશી છે કે ભારતના ચાર લાખ કોમન સર્વિસ સેન્ટર ગામડાઓમાં વિકસાવવામાં આવી રહ્યા છે. ગામના નવયુવાન દીકરા-દીકરીઓ કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહ્યા છે. દેશ એ વાતનું ગૌરવ લઇ શકે છે કે ગ્રામીણ વિસ્તારમાં ચાર લાખ ડિજિટલ એન્ટરપ્રેન્યોર તૈયાર થાય અને સારી સેવાઓ લેવા માટે ગામડાના લોકો તેમના સુધી આવે, તે પોતાની રીતે જ ટેકનોલોજી હબ બનવાની ભારતની શક્તિ છે.

મારા પ્રિય દેશવાસીઓ,
હાલમાં જે ડિજિટલ ઇન્ડિયાની ચળવળ ચાલી રહી છે, આપણે સેમિકન્ડક્ટરની દિશામાં એ રીતે આગળ વધી રહ્યા છીએ, આપણે 5G તરફ આગળ વધી રહ્યા છીએ, આપણે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને માળખું પાથરી રહ્યા છીએ, તે માત્ર આધુનિકતાની ઓળખ છે, એવું નથી. તેની અંદર ત્રણ મહાન શક્તિઓ સમાયેલી છે. શિક્ષણમાં આમૂલ ક્રાંતિ – તે ડિજિટલ માધ્યમથી આવવાની છે. આરોગ્ય સેવાઓમાં આમૂલ ક્રાંતિ જે ડિજિટલથી આવવાની છે. કૃષિ જીવનમાં પણ ખૂબ જ મોટું પરિવર્તન ડિજિટલના માધ્યમથી આવવાનું છે. એક નવી દુનિયા તૈયાર થઇ રહી છે. ભારત તેને આગળ વધારવા માટે તૈયાર છે અને મિત્રો મને સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે આ દાયકો, આ માનવજાત માટે ટેકેડનો સમય છે, તે ટેકનોલોજીનો દાયકો છે. ભારત માટે તો આ એવો ટેકેડ છે જેનું મન ટેકનોલોજી સાથે જોડાયેલું છે. આઇટીની દુનિયામાં ભારતે પોતાનું કૌવત સાબિત કરી બતાવ્યું છે, આ ટેકેડનું સામર્થ્ય ભારત પાસે છે.
આપણું અટલ ઇનોવેશન મિશન, આપણાં ઇન્ક્યુબેશન સેન્ટરો, અમારા સ્ટાર્ટઅપ્સ એક નવું, સમગ્ર ક્ષેત્રનો વિકાસ કરી રહ્યા છે, જે યુવા પેઢી માટે નવી તકો લાવી રહ્યું છે. સ્પેસ મિશન હોય, આપણા ડીપ ઓશન મિશનની વાત હોય, પછી ભલે આપણે સમુદ્રમાં પેટાળ સુધી જવાનું હોય કે પછી આપણે ઊંચા આકાશને આંબવાનું હોય, આ નવા ક્ષેત્રો છે, જેના દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ.

મારા પ્રિય દેશવાસીઓ,
આપણે એ વાતને જરાય ના ભૂલવી જોઇએ અને ભારતે સદીઓથી જોયું છે કે, જે પ્રકારે દેશમાં કેટલાક નમૂનારૂપ કાર્યોની જરૂર હોય છે, કેટલીક મહાન ઊંચાઇઓ સુધી પહોંચવાની જરૂર હોય છે, પરંતુ સાથે જ પાયાના સ્તર પર તાકાતની પણ ખૂબ જરૂર હોય છે. ભારતના આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ પાયાના સ્તરની મજબૂતી સાથે જોડાયેલી છે. અને આથી જ આપણા નાના ખેડૂતો – તેમનું સામર્થ્ય, આપણા નાના ઉદ્યોગ સાહસિકો – તેમનું સામર્થ્ય, આપણા લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, સૂક્ષ્મ ઉદ્યોગો, શેરી પરના વિક્રેતાઓ, ઘરોમાં કામ કરતા લોકો, ઓટો રીક્ષા ચલાવતા લોકો, બસ સેવા આપતા લોકો, બધા જ સમાજનો સૌથી મોટો વર્ગ છે, તેઓ જો સામર્થ્યવાન થાય તો ભારત સમર્થ બને તે વાતની ગેરેન્ટી છે અને આથી જ આપણા આર્થિક વિકાસની જે મૂળભૂત પાયાની તાકાતા છે, તે તાકાતને સૌથી વધારે દિશા આપવાનો અમારો પ્રયાસ ચાલી રહ્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ
આપણી પાસે 75 વર્ષનો અનુભવ છે, આપણે 75 વર્ષમાં અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. 75 વર્ષના અનુભવમાં, અમે નવા સપનાઓ પણ જોયા છે અને નવા સંકલ્પો પણ લીધા છે. પરંતુ અમૃતકાળ માટે આપણા માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને કેવી રીતે તેમાંથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકીએ? આપણી કુદરતી સંપત્તિનું શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવી શકીએ? આ લક્ષ્યને ધ્યામાં રાખીને આપણે આગળ વધવાનું છે. અને આ સ્થિતિમાં હું છેલ્લા કેટલાક વર્ષોના અનુભવ પરથી કહેવા માંગુ છું. તમે જોયું જ હશે, આજે અદાલતની અંદર જુઓ કે આપણા વકીલના ક્ષેત્રમાં કામ કરતી આપણી નારીશક્તિ કેટલી તાકાત સાથે દેખાઇ રહી છે. તમને ગ્રામ્ય વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે નારીશક્તિ જોવા મળી જ હશે. આપણી નારીશક્તિ કેવા મિજાજ સાથે આપણા ગામડાઓની સમસ્યાઓના નિરાકરણમાં નિષ્ઠાપૂર્વક વ્યસ્ત છે તે પણ તમે જોયું જ હશે. આજે જ્ઞાનનું ક્ષેત્ર જ જોઇ લો, વિજ્ઞાનનું ક્ષેત્ર જુઓ, આપણા દેશની નારીશક્તિ બધા જ ક્ષેત્રોમાં મોખરે જોવા મળી રહી છે.
આજે આપણે પોલીસમાં જોઇ શકીએ છીએ કે, આપણી નારીશક્તિ લોકોની સુરક્ષાની જવાબદારી પણ ઉપાડી રહી છે. આપણે જીવનનાં દરેક ક્ષેત્ર પર નજર કરીએ તો, રમતનું મેદાન જોઇએ કે પછી યુદ્ધનું મેદાન જોઇએ, ભારતની નારી શક્તિ એક નવા સામર્થ્ય, નવા વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. હું તેમને ભારતની 75 વર્ષની યાત્રામાં તેમનું યોગદાન છે તેમાં, આવનારા 25 વર્ષમાં નારીશક્તિ, મારી માતાઓ અને બહેનો, મારી દીકરીઓના યોગદાનને જોઇ રહ્યો છું અને તેથી તેઓ દરેક હિસાબ-કિતાબથી ઉપર છે. બધા જ માપદંડોથી ઊંચેરી છે. આપણે આના પર જેટલું ધ્યાન આપીશું, આપણી દીકરીઓને જેટલી વધુ તકો પૂરી પાડીશું, જેટલી વધારે સુવિધાઓ આપણે આપણી દીકરીઓને આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરીશું, તમે જોજો કે તે આપણને અનેક ગણું કરીને પાછું આપશે. તે દેશને આ ઊંચાઇ પર લઇ જશે. આ અમૃતકાળમાં જે સપનાં પૂરાં કરવા માટે જે મહેનત લાગવાની છે, તેમાં જો આપણી નારી શક્તિની મહેનતને જોડી દેવામાં આવશે, જો તેને વ્યાપક પ્રમાણમાં ઉમેરવામાં આવશે તો આપણી મહેનત ઓછી થશે, આપણી સમય મર્યાદા પણ ઓછી થઇ જશે, અમારા સપના વધુ તેજસ્વી બની જશે, અને ઓજસ્વી થશે તેમજ દીપી ઉઠશે.

અને આથી જ આવો મિત્રો,
આપણે જવાબદારીઓ સાથે આગળ વધીએ. હું આજે ભારતના બંધારણના ઘડવૈયાઓનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમણે આપણને જે સંઘીય માળખું આપ્યું છે તેની ભાવનાને ધ્યાનમાં રાખીને, તેની ભાવનાઓને આદર આપીને, જો આપણે આ અમૃતકાળ દરમિયાન એકબીજા સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધીશું, તો ચોક્કસ આપણા સપના સાકાર થઇને જ રહેશે. કાર્યક્રમો અલગ અલગ હોઇ શકે છે, કાર્યશૈલી પણ અલગ અલગ હોઇ શકે પણ સંકલ્પ અલગ અલગ ન હોઇ શકે, રાષ્ટ્ર માટેના સપના જુદા જુદા ન હોઇ શકે.

 

આવો, એક એવા યુગમાં આગળ વધીએ. મને યાદ છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તે સમયમાં કેન્દ્રમાં અમારા વિચારોની સરકાર ન હતી, પરંતુ મારા ગુજરાતમાં દરેક જગ્યાએ હું એ જ મંત્રને અનુસરતો હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. ભારતનો વિકાસ, ભલે આપણે ગમે ત્યાં હોઇએ, આપણા બધાના મનમાં રહેવો જોઇએ. આપણા દેશમાં સંખ્યાબંધ રાજ્યો છે, જેમણે દેશને આગળ લઇ જવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે, નેતૃત્વ કર્યું છે, સંખ્યાબંધ ક્ષેત્રોમાં દૃશ્ટાંતરૂપ કાર્ય કર્યું છે. આ બાબદ આપણા સંઘવાદને તાકાત આપે છે. પરંતુ આજે સમયની જરૂરિયાત એ છે કે આપણને સહકારી સંઘવાદની સાથે સાથે સહકારી સ્પર્ધાત્મક સંઘવાદની પણ જરૂર છે, આપણે વિકાસમાં એકબીજા સાથે સ્પર્ધા કરવાની જરૂર છે.

દરેક રાજ્યને એવું લાગવું જોઇએ કે પેલું રાજ્ય આગળ નીકળી ગયું છે. હું પણ એટલી જ મહેનત કરીશ કે હું આગળ નીકળી જઉં. તેમણે આ 10 સારા કાર્યો કર્યા છે, હું 15 સારા કાર્યો કરીને બતાવીશ. તેમણે ત્રણ વર્ષમાં આ કામ પૂરું કર્યું છે, હું બે વર્ષમાં કરીને બતાવીશ. આપણા રાજ્યો વચ્ચે, સરકારના તમામ એકમો વચ્ચે આપણી સેવા પૂરી પાડવામાં સ્પર્ધાનો એવો માહોલ સર્જાય તે જરૂરી છે, જે આપણને વિકાસની નવી ઊંચાઇઓ પર લઇ જવાનો પ્રયાસ કરે.

મારા પ્રિય દેશવાસીઓ,
આ અમૃતકાલના 25 વર્ષ વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે હું જાણું છું કે આપણી સામે પડકારો પણ ઘણા છે, મર્યાદાઓ પણ અનેક છે, મુશ્કેલીઓ પણ સંખ્યાબંધ છે, અને આપણે તેને ઓછી આંકવી જોઇએ નહીં. આપણે માર્ગો શોધી રહ્યા છીએ, સતત પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ બે વિષયો અંગે હું અહીં ચોક્કસ ચર્ચા કરવા માંગુ છું. આમ તો ઘણા વિષયો પર ચર્ચાઓ થઇ શકે છે. પણ મારે અત્યારે સમય મર્યાદા સાથે બે વિષયો પર ચર્ચા કરવી છે. અને હું માનું છું કે આ બધા પડકારોને કારણે, વિકૃતિઓના કારણે, બીમારીઓના કારણે, જો આપણે સમયસર તે અંગે ચેતી જઇશું નહીં તો, 25 વર્ષના આ અમૃતકાળમાં તે પરિસ્થિતિઓ વિકરાળ સ્વરૂપ લઇ શકે છે. અને તેથી જ હું બધી ચર્ચા કરવા માંગતો નથી પરંતુ બે મુદ્દા પર ચોક્કસપણે ચર્ચા કરવા માંગુ છું. એક છે ભ્રષ્ટાચાર અને બીજો મુદ્દો છે ભાઇ-ભત્રીજાવાદ, કુટુંબવાદ. ભારત જેવી લોકશાહીમાં જ્યાં એક તરફ લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે જોવા મળે છે કે, એક તરફ એવા લોકો છે …

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *