નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે વિજય રૂપાણી

 નરેન્દ્ર મોદીજીના પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે વિજય રૂપાણી

નીરવ જોષી, હિંમતનગર

ગત શનિવારની સાંજે ગાંધીનગરથી પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસન અંગે અનેક વાતો કરી હતી. ખાસ કરીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અર્પણ કરાયા તે બાબત ખૂબ જ રસપ્રદ, પ્રાસંગિક અને રોચક રહી. સાબરકાંઠામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા અનેક પરિવારજનોનો આક્ષેપ છે કે કોરોનાનો સાચો મૃત્યુઆંક સરકારી તંત્રે છુપાયો છે. આ ઉપરાંત હિંમતનગરમાં બનેલી નવી સિવિલ હોસ્પિટલના પ્રાંગણ માં 108 એમ્બ્યુલન્સમાં કેટલાક દર્દીઓ વેઇટિંગમાં મુત્યુ પામ્યા હતા એ પણ સરકારી તંત્રની મોટી નિષ્ફળતા જ કહેવાય…. આ બધાની ગાંધીનગર લેવલ નોંધ લેવાને પરિણામે જ નવા વેન્ટિલેટર મશીનો મુખ્યમંત્રીએ જાતે શનિવારે આપી પોતાની સરકારની આરોગ્યલક્ષી ભૂલનું પ્રાયશ્ચિત કર્યું હોય એવું જણાય છે. છેલ્લા નવ દિવસથી અનેકવિધ વિજય રૂપાણી સરકાર ના કાર્યો ને લઈને રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉપલબ્ધિ તેમજ અલગ અલગ ક્ષેત્રોના કાર્યોના સરવૈયા ને અનેક રીતે મૂલવવામાં આવી રહ્યા છે… તો પ્રસ્તુત છે હિંમતનગરમાં મુખ્યમંત્રીશ્રી કઈ-કઈ વાતો નગરજનોને કરી હતી.

સુશાસનના પાંચ વર્ષ :  સૌના સાથ અને સૌના વિકાસના

 ૭ ઓગસ્ટ – વિકાસ દિવસ

“આરોગ્ય સુખાકારી કાર્યક્રમ”

વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ કરી રહી છે

વિકાસના હવનમાં હાડકાં નાખનારા ને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે

અમે વિષમ પરિસ્થિતિ વચ્ચે રહીને કામ કરનારા લોકો છીએ : પ્રજાકીય કામો જ અમારા માટે સર્વોપરી છે- મુખ્યમંત્રી વિજય રૂપાણી.

 

કોરોનાકાળમાં ૬.૩૦ કરોડના ગુજરાતીઓના આરોગ્યને જ પ્રાથમિકતા આપી રાજ્ય સરકારે રૂ. પાંચ હજાર કરોડથી વધુ ખર્ચ કર્યો :- નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

 

  • હિંમતનગરના આંગણેથી  “વિકાસ દિવસ” સમારોહમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોની રાજ્યની જનતાને ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
  • વિકાસ દિવસ-આરોગ્ય સુખાકારી કાર્યક્રમ સંદર્ભે રાજ્યભરમા ૧૧૮ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ૫૧ નવા આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ મશીન અને ૨૦૦ નવા વેન્ટિલેટર્સનું ઈ-લોકાર્પણ
  • રાજ્યના જીવન રક્ષક કોરોના વોરિયર્સ અને સાબરકાંઠા જિલ્લાના ગામોનું ૧૦૦ ટકા વેક્સિનેશન કરાવનારા ૧,૨૨૫ સરપંચશ્રીઓનું સન્માન કરાયું

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત “વિકાસ દિન” સંદર્ભે હિંમતનગરમાં યોજાયેલ “આરોગ્ય સુખાકારી કાર્યક્રમ”માં જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને પાંચ વર્ષમાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશેદિશાએ વેગવંતા બનાવીને તેનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો છે.

                મુખ્યમંત્રી શ્રી એ આધ્યાત્મિક ભાવ પ્રગટ કરતાં કહ્યું કે, જેમ આપણે નવરાત્રિમાં શક્તિની આરાધના કરીએ છીએ તે જ રીતે અમે ૯ દિવસને વિવિધ વિકાસલક્ષી દિવસનો સેવાયજ્ઞના માધ્યમથી વિકાસની આરાધના કરી રહ્યા છીએ.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ જાણીતા કથાકાર પૂજ્ય મોરારીબાપુને ટાંકતા કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ રાજનીતિમાં “અધિષ્ઠાન“ કરવા માટે આવ્યા છે. એટલે કે સંકલ્પો દ્વારા સિધ્ધી પ્રાપ્ત કરી રહ્યા છે.તેમણે ગૌરવભેર ઉમેર્યુ કે,અમારી સરકાર જે  કહે  તે કરે છે અને અમારો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે વિકાસની રાજનીતી દ્વારા દૂનિયા સમક્ષ દ્રષ્ટિવંત  ઉદાહરણ મૂકીએ.

                શ્રી વિજયભાઇએ જણાવ્યું કે , આ સરકાર પ્રજાની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. તેથી  જ રાજ્યના પ્રત્યેક નાગરિકને એમ લાગી રહ્યું છે કે આ આપણી સરકાર છે જે અમારી પડખે છે.જન-જનમાં આપણી સરકાર હોવાનો ભાવ ઉભો થયો છે . તેથી જ અમને જનતા અઢી દાયકાથી અવિરત સેવા કરવાની  તક આપી રહી છે.

                મુખ્યમંત્રી શ્રી એ દ્રઢતાપૂર્વક કહ્યું કે, કોરોના જેવી મહામારીમાં પણ અમે હાર્યા થાક્યા વિના અવિરત પણે વિકાસ યાત્રાને આગળ ધપાવી છે.જેનું દ્રષ્ટાંત આપતા રાજ્યમાં રૂ. ૫૩૦૦ કરોડના વિકાસ કાર્યોના પ્રકલ્પોનો ઉલ્લેખ કર્યો હતો.

                કોરોના સામેની જનતા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સરકારની લડત જારી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરના આંગણેથી રાજ્યભરમાં આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.

        બે દાયકામાં રાજ્ય સરકારે મેડિકલ ક્ષેત્રે અનેકવિઘ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. રાજ્યમા મેડિકલ અભ્યાસ ક્ષેત્રની ૮૫૦ બેઠકોમાંથી પાંચ હજાર બેઠકોની ઉપલબ્ધતા તેની  પ્રતીતિ કરાવે છે.

                ગુજરાતના યુવાનને મેડિકલ ક્ષેત્રના અભ્યાસ અર્થે વિદેશમાં જવું પડે નહિ તે માટેનુ સુદ્રઢ આયોજન સંવેદનશીલ રાજ્ય સરકારે હાથ ઘર્યું છે. રાજ્ય સરકારે નાગરિકોને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં વિકાસ કાર્યો કરી સર્વ સ્પર્શી અને સર્વદેશીય વિકાસનુ નવું મોડલ પેશ કર્યું.

                આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ જણાવ્યું હતું કે, વિજયભાઈના નેતૃત્વમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલો વિકાસ ગુજરાતના  ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે  ગુજરાત સરકારે કોરોના કાળમાં ૬.૩૦ કરોડ ગુજરાતીઓની ચિંતા કરી  કેવી રીતે અભૂતપૂર્વ કામગીરી કરી તેનો ચિતાર આપ્યો હતો.આ માટે ગુજરાત સરકારે પાંચ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

                તેમણે કોરોનાના સમયમાં થયેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે, ગુજરાતમાં ૨ કરોડ ૬૦ લાખથી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને ૧૬ લાખ થી વધુ રેમડેસિવિર ઈન્જેકશનનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે આ તબકકે સમગ્ર દેશમાં દર દસ લાખની વસ્તી એ રસીકરણમાં ગુજરાત મોખરે  હોવાનો પણ ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો.

                નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગુજરાતની જનતાના સહયોગથી “ટીમ ગુજરાત”એ કરેલી કામગીરીની સરાહના કરી હતી અને  કોરોનાના સમયમાં ‘કૉર ગ્રુપ’ દ્વારા કરાયેલા સંખ્યાબંધ નિર્ણયોની વિસ્તૃત વિગતો આપી હતી.

                શ્રી નીતિનભાઈએ રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે કરેલી પૂર્વતૈયારી ની રૂપરેખા આપતા કહ્યું કે,દરેક વ્યક્તિનું જીવન મહત્વનું છે અને તેથી જ અગમચેતીના પગલાંરૂપે ગુજરાત સરકારે ૧ હજાર વેન્ટીલેટરની ખરીદી કરી છે.

                નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સીએમ ડેશ બોર્ડ’ ની પ્રસંશા કરતા કહ્યું કે, આજે કેન્દ્રમાંથી આવતી કોઈ પણ ટીમ આ વ્યવસ્થા જોઈને અભિભૂત થાય છે.

                હિંમતનગર ખાતેના આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરુભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડર ધારાસભ્ય શ્રી હિતુ કનોડિયા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી જે.ડી.પટેલ, પુર્વ મંત્રીશ્રી રમણલાલ વોરા, શ્રી જયસિંહ ચૌહાણ, શ્રી વી.ડી.ઝાલા ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશન(N.H.M.) ડાયરેક્ટર શ્રી રેમ્યા મોહન, જિલ્લા કલેક્ટરશ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સીએમ વિજય રૂપાણી હિંમતનગર શહેરના એક વિસ્તાર -મહાવીરનગર માં આવેલા એક જૈન મંદિર ઉપાશ્રયમાં અને ઉમિયાધામ ખાતે દર્શન માટે ગયા હતા.

હિંમતનગર ખાતે પ્રદિપચંદ્ર સુરી સાગર મહારાજની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી : મુખ્યમંત્રી શ્રીએ ઉમિયાધામ મંદિરની પણ મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આચાર્ય ભગવંત શ્રી પ્રદિપચંદ્ર સુરી સાગર મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. રાજ્ય સરકારના સુશાસન પાંચ વર્ષના પૂર્ણતા અવસરે યોજાયેલ વિકાસ દિવસ અંતર્ગત આરોગ્ય સુખાકારી કાર્યક્રમ બાદ શ્રી સોસાયટી નગર જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક સંઘ જિનાલયની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ઉમિયાધામ મંદિરની પણ મુલાકાત લઇ પૂજા અર્ચન કર્યુ હતું.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *