અરવલ્લી: ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યસ્તરીય ઉજવણી, રાજયપાલ અને મુખ્યમંત્રીએ શું કહ્યુ?

 અરવલ્લી: ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યસ્તરીય ઉજવણી, રાજયપાલ અને મુખ્યમંત્રીએ શું કહ્યુ?

સંકલન: નિરવ જોષી, હિંમતનગર (7838880134)

૭૬મા સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લી જિલ્લામાં રાજ્ય સ્તરીય ઉજવણી

સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને – રાજ્યપાલ શ્રી*

રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા ‘એટ હોમ’ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ .

સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ – અરવલ્લી જિલ્લો
*****
અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક- સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર
કરતો ‘મોંધી મિરાત મોડાસા’સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
*****
શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે : બાળકોને
સંસ્કારવાન, બળવાન અને જ્ઞાન સંપન્ન બનાવીએ-: રાજ્યપાલશ્રી -:


*****
-: મુખ્યમંત્રી શ્રી -:

 આઝાદીના અમૃત મહોત્સવના આ આઝાદી પર્વે અરવલ્લી જિલ્લો વિકાસના પથ પર નક્કર ડગ માંડી ૧૦માં વર્ષમાં પ્રવેશ્યો છે એ ગૌરવની વાત

 ગુજરાતને પાછલા બે દશકથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે.

 એકાંગી નહિ, સર્વાંગી, સર્વપોષક અને સર્વસમાવેશક વિકાસ એ જ આપણો નિર્ધાર છે

 માળખાકીય સુવિધા સાથે પાણી, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતે ઉડીને આંખે વળગે એવી વૈશ્વિક પ્રગતિ કરી છે
*****
અરવલ્લ્લી જિલ્લાને મુખ્ય મંત્રીશ્રીની વિશેષ ભેટ…

 શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું- શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે.

 ભિલોડા અને મેઘરજ તાલુકામાં સિંચાઇ સુવિધા માટે મેશ્વો ડેમ માંથી લીફટ ઇરીગેશન દ્વારા પાણી પુરૂં પાડવા ૭પ કરોડ રૂપિયાની યોજનાને મંજુરી- આ લિફટ ઇરીગેશન યોજનાથી ભિલોડા, મેઘરજ બે તાલુકાના ૩૧ તળાવો ભરવામાં આવશે.

 જિલ્લાના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયાનું ખાસ અનુદાન

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મોંધી મિરાત મોડાસા’ અંતર્ગત જિલ્લાના મહાનુભાવોનું સન્માન કરતા જણાવ્યું હતુ કે, શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. તેમણે બાળકોને સંસ્કારવાન, તંદુરસ્ત અને બળવાન તેમજ જ્ઞાન સંપન્ન બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ ‘હૃદય નહીં, વહ પથ્થર હૈ જિસમે સ્વદેશ કા ભાવ નહીં’ એવું જણાવી સ્વાતંત્ર્ય સંગ્રામમાં અરવલ્લી જિલ્લાના યોગદાનને દોહરાવી ૭૬માં સ્વાંતત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે અરવલ્લી જિલ્લાની સ્થાપનાના દસમાં વર્ષની જિલ્લાના સૌ નાગરિકોને શુભકામના પણ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ સ્વાંતત્ર્ય પર્વને શહીદો પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાનું પર્વ ગણાવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય સ્તરીય ઉજવણી અરવલ્લી જિલ્લામાં યોજાઇ છે ત્યારે સ્વાતંત્ર્ય પૂર્વ સંધ્યાએ જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અરવલ્લીની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષનું આ આઝાદી પર્વ ઉજવાઇ રહ્યું છે. આ સ્વતંત્રતા પર્વ વિકાસનું પર્વ, વનબંધુ કલ્યાણનું પર્વ બને તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં સિંચાઇ સુવિધા માટે મેશ્વો ડેમ માંથી લીફટ ઇરીગેશન દ્વારા પાણી પુરૂં પાડવા ૭પ કરોડ રૂપિયાની યોજનાને મંજુરી અપાઇ છે. આ લિફટ ઇરીગેશન યોજનાથી ભિલોડા, મેઘરજ બે તાલુકાના ૩૧ તળાવો ભરવામાં આવશે. જિલ્લાના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયાનું ખાસ અનુદાન આપવાની પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આઝાદી જંગ ખેલાયો અને આપણને સ્વતંત્રતા મળી છે. ભારત માતાને બ્રિટીશરોની ગુલામીમાંથી મુકત કરાવવાની ઝંખના દેશવાસીઓમાં એ વખતે એટલી પ્રબળ હતી કે, ફનાગીરી અને સરફરોશીની તમન્નાથી અનેક નવયુવાનો ભારત ભક્તિ ના મંત્ર સાથે નીકળી પડયા હતા. આજે પણ રાષ્ટ્રભક્તિનો એ માહોલ આપણને પ્રતિત થાય છે.

સ્વાતંત્ર્ય મેળવવામાં અરવલ્લી જિલ્લાના યોગદાનનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ભાઇ, મોહનલાલ ગાંધી, સુરજીભાઇ સોલંકી, પુરૂષોત્તમદાસ શાહ જેવા રાષ્ટ્રભક્તોએ સ્વદેશી અપનાવી આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી. આ જિલ્લાના આવા રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન કરૂં છું. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા આવા વીર રાષ્ટ્રભકતોની યાદમાં આઝાદીના આ અમૃત મહોત્સવે હર ઘર તિરંગાનું આહવાન કર્યુ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં તારીખ ૧૩ થી ૧પ ઓગસ્ટ દરમ્યાન ૧ કરોડ ઘરો પર તિરંગા લહેરાવવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ધારમાં અરવલ્લી જિલ્લાના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે વર્ષ ર૦૧૩ની ૧પમી ઓગસ્ટે આ જિલ્લાની રચના કરી હતી અને આઝાદીના અમૃત મહોત્સવના આ આઝાદી પર્વે અરવલ્લી જિલ્લો વિકાસના પથ પર નક્કર ડગ માંડી ૧૦માં વર્ષમાં પ્રવેશ્યો છે એ ગૌરવની વાત છે. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને પાછલા બે દશકથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે. એટલું જ નહીં, ડબલ એન્જીન સરકારના બેવડા લાભથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. વિકાસની રાજનીતિનો જે માર્ગ વડાપ્રધાનશ્રીએ કંડાર્યો છે એ જ માર્ગે ચાલીને ગુજરાતને આપણે વિશ્વમાં વિકાસનું બેંચમાર્ક બનાવવું છે. એકાંગી નહિ, સર્વાંગી, સર્વપોષક અને સર્વસમાવેશક વિકાસ એ જ આપણો નિર્ધાર છે. સમાજના નાનામાં નાના માનવી, ગરીબ, વંચિત, પીડિત સૌના વિકાસના મંત્ર સાથે આપની આ સરકાર કર્તવ્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ખેતી-પશુપાલન જેવી પાયાની માળખાકીય સુવિધા સાથે પાણી, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતે ઉડીને આંખે વળગે એવી વૈશ્વિક પ્રગતિ કરી છે. બે દાયકા પહેલાં રાજ્યના માત્ર ર૬ ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા મળતું હતુ. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનને પરિણામે આજે ૯૭ ટકા ઘરોને નળ થી જલ મળે છે. આપણે પાછલા બે દસકમાં દોઢ લાખથી વધુ ચેકડેમ બનાવ્યા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇનો લાભ સાડા ત્રણ લાખ કિસાનોને આપ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ દરેક જિલ્લામાં ૭પ અમૃત સરોવર નિર્માણનું આહવાન કર્યુ છે. ગુજરાતમાં ૬૬૩ આવા તળાવો પૂર્ણ કર્યા છે આના પરિણામે ગામોની સુંદરતા વધવા સાથે જળસંચય પણ થવાનો છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીયે. આ મહોત્સવ એટલે મહામૂલી આઝાદીના વિચારોનું નવા સ્વરૂપે અમૃત મંથન. નયા ભારત, આત્મનિર્ભર ભારત, પ્રગતિશીલ ભારતના નિર્માણનો સંકલ્પ. આપણે આ સંકલ્પો સાકાર કરવા સાથે મળીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવે કાર્યરત થવાનું આહ્વાન કરી તેમણે કહ્યું કે, આ સંકલ્પ પાર પાડવામાં, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્વતંત્રતાનું આ ૭૬મું પર્વ નવો ઉમંગ નવી ચેતના, નવી ઊર્જા લઇને આવ્યું છે.

આ અવસરે ‘અરવલ્લીની અસ્મિતા વિકાસ વાટિકા’ તેમજ ‘આપણું અનેરૂ અરવલ્લી પુસ્તક’નું વિમોચન રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા અરવલ્લી જિલ્લાના ૧૭ જેટલા શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી.

 

*****

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમ

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ૭૬મા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સૌ નાગરિકો રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકોને સંકલ્પ થવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ પૂર્ણ સમર્પણ ભાવ સાથે શહીદો પ્રત્યે શ્રેષ્ઠ સન્માન ભાવ સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ગૌરવભેર જોડાઈને રાષ્ટ્રનિર્માણની નવી ચેતના પ્રસ્તુત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરાતન એવી અરવલ્લી પર્વતમાળાની ગોદમાં વસેલો અરવલ્લી જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી સંપન્ન છે. અહીના નાગરિકોના દિલ વિશાળ છે. રાજ્યપાલશ્રીએ શિક્ષણ ક્ષેત્રે મોડાસા પંથકના અનેરા પ્રદાનની પણ નોંધ લીધી હતી.

રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરાએ મહાત્મા ગાંધી, દેશને એકતાના સૂત્રથી બાંધનારા સરદાર પટેલ, મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતી જેવા મહાન પુરુષોને જન્મ આપ્યો છે. તેમણે ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી દેશની આઝાદી માટે સ્વાર્પણ કરનારા વીર નાયકોને શ્રદ્ધાંજલિ પાઠવતા એમ પણ જણાવ્યું હતું કે, જે દેશ પોતાના ઇતિહાસ અને ઇતિહાસ પુરુષોને ભૂલતો નથી એ દેશ શ્રેષ્ઠ પ્રગતિ કરે છે.

રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે દેશના વિકાસમાં સૌ નાગરિકો યોગદાન આપી પોતાનું કર્તવ્ય બજાવે.

રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે નાગરિકોને વૃક્ષારોપણ કરવા અને વૃક્ષોનું જતન કરવા, પ્રત્યેક જિલ્લામાં ૭૫ તળાવનું નિર્માણ કરવાના વડાપ્રધાન શ્રીના આહ્વાનને સાકાર કરવા, સ્વસ્થ જીવન તેમજ ખેડૂતોની ઉન્નતિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા સૌને અનુરોધ કરી ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

 

આ અવસરે અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, સર્વે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, સનદી અધિકારીઓ, રાજ્ય સરકારના પદાધિકારીઓ, અરવલ્લી નગરપાલિકાના સભ્યો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જિલ્લાના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *