ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
કચ્છ : NRI કચ્છીઓએ ભુક્કા બોલાવ્યા, કોરોનાકાળમાં પણ બેંકોની થાપણમાં 3,400 કરોડ જેટલો વધારો
કોરોનાકાળમાં વિદેશમાં રહેતા કચ્છીઓએ કોથળા ભરીને રૂપિયા કચ્છની બેંકોમાં ઠાલવ્યા, જાણો પાછલા વર્ષોની થાપણ કેટલી હતી અને છેલ્લા બે વર્ષમાં કેટલો થયો વધારો
મેહુલ સોલંકી, કચ્છ : ગુજરાત રાજ્યનો કચ્છ (Kutch) જિલ્લો વિસ્તારની દૃષ્ટીએ લડાખ પછી સૌથી મોટો જિલ્લો છે. અહીંયા આમ તો રણપ્રદેશના કારણે પાણી સહિતની અનેક સમસ્યાઓ છે પરંતુ કચ્છીઓએ આ આફતોને ગણકાર્યા વગર વેપારધંધામાં કાઠું કાઢ્યું છે. દેશમાં મુંબઈ હોય કે વિદેશ કચ્છની ખમીરવંતી પ્રજાએ આર્થિક પ્રગતિમાં હરણફાળ ભરી છે. કચ્છીઓની આર્થિક પ્રગતિનો બોલતો પુરાવો જિલ્લાની બેંકોમાં જમા થતી (Bank Deposits) માતબર થાપણ આપે છે. કચ્છના એનઆરઆઈ (NRI) વિશ્વના કોઈ પણ દેશમાં વસે પરંતુ પોતાના ગામમાં વતનમાં બેંકમાં થાપણ ચોક્કસ જમા કરાવે છે. કચ્છની બેંકોમાં કોરોનાકાળમાં (Coronavirus Times) પણ 3400 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કચ્છીઓની સમૃદ્ધીનું આનાથી વધારે મોટું ઉદાહરણ કોઈ ન હોઈ શકે.
ધંધા રોજગાર માટે કચ્છીઓ વિદેશમાં સ્થાયી થયા છે અને લગ્ન પ્રસંગ, સામાજિક કે, ધાર્મિક પ્રસંગો, તહેવારો ટાંકણે અચુક માદરે વતન આવતા હોય છે. વિદેશમાં ધંધા-રોજગાર થકી મેળવેલી રકમ તેઓ સ્વદેશ અને વતનની એટલે કે કચ્છની બેંકોમાં મુકવાનું વધારે પસંદ કરે છે.
સત્તાવાર મળતી વિગતો મુજબ 2016થી લઇને 2019 એટલે કે, ચાર વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની બેંક થાપણો જે રીતે વધી તેના કરતાં કોરોના કાળના બે વર્ષમાં વધુ વધી છે. માર્ચ 2016થી માર્ચ 2021 સુધીની કુલ થાપણની રકમ 67,600 કરોડ થવા જાય છે, જેમાં કોરોના કાળના માત્ર બે જ વર્ષમાં એટલે કે, 2020 અને 2021માં ગત વર્ષોની તુલનાએ 3400 કરોડની થાપણો વધી છે.
કોરોના મહામારીના કારણે વિદેશોમાં પણ 2020માં લોકડાઉનના પગલે ધંધા-રોજગાર સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા હતા તો 2021માં પણ બીજી લહેરના કારણે પ્રતિબંધો જારી રહ્યા હતા. કચ્છમાં પણ ધાર્મિક, સામાજિક પ્રસંગો પર રોક લગાવાઇ હતી, જેના કારણે વિદેશથી કચ્છીઓએ માદરે વતન આવવાનું ટાળ્યું હતું.
વિદેશીઓએ ધંધા-રોજગારમાં રોકવા માટે રકમ રાખી હોય અને કોરોનાના કારણે ધંધા-રોજગાર બંધ પડતાં તે રકમ બેંકોમાં મુકી હોય, ધાર્મિક, સામાજિક પ્રસંગો માટે બચત કરી હોય કે, હજુ ત્રીજી લહેરરૂપે કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે સારવાર માટે બચત કરી હોય ગમે તે કારણ હોય પણ અગાઉના 4 વર્ષના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો કોરોના કાળના બે વર્ષમાં બિનનિવાસી કચ્છીઓની થાપણો વધી છે.
રાજકોટ નાગરિક બેંકના કન્વીનર દિલીપ ત્રિવેદીએ જણાવ્યું કે,અમારી બેંકમાં પણ થાપણનો ગ્રોથ 20 ટકા જેટલો વધ્યો છે વિદેશમાં વસતા પટેલ ચોવીસીના સમાજના લોકો વતનની બેંકમાં થાપણ રાખવાનું વધારે પસંદ કરે છે જેથી જિલ્લાની બેંકોમાં થાપણનો દર વધુ છે આ જ કચ્છીઓની વિશ્વસનીયતાની નિશાની છે.
ત્રિવેદીએ ઉમેર્યુ કે ‘વર્ષોથી આ સમાજના લોકો યુકે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકામાં વેપારઅર્થે વર્ષોથી ગયાં છે, કામ કરી રહ્યા છે. તેમનો વેપાર પણ ખૂબ ચાલે છે. અહીંયા નાના નાના ગામો છે જેમાં પાંચ હજારની વસ્તિ વાળા ગામમાં પણ 5,000 કરોડની થાપણ બેંકમાં જોવા મળે છે. વિશ્વસનીયતાના કારણે પણ આ થાપણો પડી રહે છે.’
ત્રિવેદીએ ઉમેર્યુ, ‘કચ્છમાં જૂની બેંકો જેમ કે બેંક ઓફ બરોડા વગેરે જેની વિદેશમાં બ્રાન્ચ છે ત્યાં વસતા કચ્છીઓ તેના માધ્યમથી ઘણી ડિપોઝિટ જમા કરાવે છે.